આ ઉપરાંત લાઠી-બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, પોતાની જમીનના એક ચાસ માટે ખૂન-ખરાબા કરનારા ખેડૂતના દીકરાને સરકાર દ્વારા હાથકડી દેખાડવામાં આવે છે. સિંચાઇ તેમજ અન્ય બાબતે ખેડૂતને શા માટે દબાવવામાં આવે છે તે સમજાતું નથી.
સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નહેરમાં અવરોધ મૂકી, એન્જીન કે અન્ય સાધનોથી પાણી લે તે માટે 20,000 સુધીનો દંડ અથવા 6 મહિના સુધીની કેદની સજા કરવામાં આવે છે.
આ સાથો-સાથ નહેરમાં પાણીના પ્રવાહનું નિયમન અને નિયંત્રણમાં અડચણ ઊભી કરનારાને પણ સજાની જોગવાઇઓ નક્કી કરવામાં આવી છે. તેમજ નહેરના પાણીને પ્રદુષિત કરનારને 1 વર્ષ સુધીની કેદ અથવા 50,000 સુધીના દંડ અથવા બંનેની શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.
નદીના પાણીનો પ્રવાહ અનધિકૃત રીતે વાળવા, નદીમાં કોઈ બંધ કે અવરોધ ઉભો કરે તેને દોઢ વર્ષ સુધીની કેદ અથવા એક લાખ સુધીના દંડ અથવા બંનેની શિક્ષાની જોગવાઈ કરેલી છે. આ ઉપરાંત નહેરમાં છેદ પાડી, પાઈપ દાખલ કરી નહેરની મજબુતી અને સલામતીને નુકસાન પહોંચાડનારાને 2 વર્ષ સુધીની કેદ અથવા બે લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
ઠુમ્મરે આક્ષેપ કર્યા હતા કે, આ બિલમાં સિંચાઈ ખાતાના અધિકારીઓને કે નહેરના અધિકારીઓને મોટો નાણાકીય દંડ કરવાની અને મશીન ઉપાડવા માટે સત્તા આપવાની જોગવાઈ છે. પરંતુ અધિકારીઓની સામેલગીરી વગર કોઈ જગ્યાએ કોઈપણ પ્રકારની ચોરી શક્ય જ નથી. જેથી પહેલા અધિકારીઓ સામે પગલાં લેવામાં આવવા જોઇએ.
તેમજ અનઅધિકૃત રીતે નહેરનું પાણી ખેચવા માટે વપરાતા સાધનો જપ્ત કરવાની સત્તા નહેર અધિકારીને આપવામાં આવી છે. આ માટે એક લાખ સુધીનો દંડ ચૂકવીને આવા સાધનો પરત લઇ શકાશે.