ખાસ સામાન્ય સભામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી ચાર તાલુકામાં આવેલી વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા ધરાવતી શાળાની સંખ્યા અને યાદી માગવામાં આવી હતી. તેની સાથે શાળાની નજીક નદી, કોતરો કે હાઈવે સહિતના અન્ય ભૌગોલિક પરિબળોની વિગતો પણ માગવામાં આવી હતી. અમલમાં આવનારા નિયમ પ્રમાણે જિલ્લાની 29 શાળાની અન્ય શાળામાં મર્જ કરવી પડે સંજોગો ઉભા થયા છે. તેમાં દહેગામ તાલુકાની 15, ગાંધીનગર અને કલોલ તાલુકાની 5-5 જ્યારે માણસા તાલુકાની 4 શાળાનો સમાવેશ થાય છે. તેનો અહેવાલ પણ રાજ્ય કક્ષાએ મોકલી આપવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા જિલ્લા પંચાયતના પ્રમુખ મંગુબેન ચૌધરી દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવાઇ હતી. જેમાં એજન્ડા પ્રમાણે કોંગ્રેસના સભ્યોએ શાળા મર્જ કરવાની સરકારની નીતિનો વિરોધ કર્યો હતો અને શાળાઓને તેમજ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે. તેમજ શિક્ષણનું સ્તર નીચું જશે અને શાળા છોડી જવાના કિસ્સામાં વધારો થવાની દહેશત દર્શાવી હતી.
ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વિલીનીકરણ (મર્જ) કરવા માટે જિલ્લાના 4 તાલુકાની 29 શાળા નક્કી કરવામાં આવી છે. તેનું લીસ્ટ બનાવી સામાન્ય સભામાં રજૂ કર્યું હતું. તેમાં સૌથી વધુ દહેગામ તાલુકામાં 15 શાળામાં ભક્તોના મુવાડા, હર્ષદનગર, રાધાકૂઈ, પાનાનામુવાડા, મેઘરાજના મુવાડા, મોહનપુરા, મેઘરજના મુવાડા, પ્રાવેજાના શાળા, ઓત્તમપુરા, અંબિકાનગર, પહાડિયા, રામાજીના મુવાડા, મારવાડી વસાહત, ઉદયનગર અને રામનગરની શાળાનો સમાવેશ કરાયો છે. જ્યારે ગાંધીનગર તાલુકાની 5 શાળામાં નાનપુરા (ટીટોડા), રેઘાના છાપરા (વડોદરા), ચાંદખેડાની 2 અને મોઢેરાની એક શાળાનો સમાવેશ થાય છે. તેમજ કલોલ તાલુકાની જુના ધાનજ, કલોલ શાળા નંબર-13, મોરારજીનગર, પ્રગતિનગર અને સોજાની કુમાર શાળા ઉપરાંત માણસા તાલુકાના સોલૈયા, વેડા, કૃષ્ણનગર અને મકાખાડ શાળાને મર્જ કરવામાં સામેલ કરવામાં આવી છે.