ગાંધીનગર : નડિયાદ જિલ્લાના બિલોદરા ગામે આયુર્વેદિક દવા પીવાના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા છે. આ મામલે નડિયાદ જિલ્લા પોલીસ વડા, અમદાવાદ રેન્જ IG અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં જ ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ તપાસમાં જોતરાયું છે. આ દરમિયાન સામે આવ્યું છે કે, જે કરિયાણાની દુકાનથી કફ સીરપની આયુર્વેદિક દવા મળી તેમને ભૂતકાળમાં આ દવાના ઉત્પાદનની પરવાનગી માટે અરજી કરી હતી. જ્યારે આ દવા ASAVA-ARISHTA નામથી વેચાણ થતી હતી.
આયુર્વેદિક દવાના ઉત્પાદન માટે અરજી : રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વડા એચ. જી. કોશિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસે જે કિરાણા સ્ટોરમાંથી દવાનો જથ્થો ઝડપ્યો છે તે દુકાનનો માલિક યોગેશ સિંધી છે. તેણે ભૂતકાળમાં યોગી આયુર્વેદિક દવાના નામથી આર્યુવેદિક દવા બનાવવા માટેની પરવાનગી માટે અરજી કરી હતી. પરંતુ અમે તપાસ કરતા આ વ્યક્તિ ખોટો ઉપયોગ કરશે તેવી માહિતી મળતા તેને લાયસન્સ આપ્યું નહોતું. જ્યારે આ પ્રકરણમાં યોગેશ સિંધીનો પુત્ર પણ સંડોવાયેલ છે.
બોગસ કંપનીઓના નામે વેપાર : એચ. જી. કોશિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં જે સરખેજની કંપની સામે આવી છે તેમાં બોગસ નામ, હરિયાણાનું બોગસ કામોનું નામ સામે આવ્યું છે. ઉપરાંત આયુર્વેદિક દવામાં મિથેનોલની હાજરી FSL માં સામે આવી છે. ત્યારે આમાં અન્ય કેમિકલ હોય શકે છે. જ્યારે ફક્ત 12 ટકા આલ્કોહોલ અને મિથેનોલ હોય તો ફક્ત આંખોની દ્રષ્ટિ જ જઈ શકે, પણ મૃત્યુ ના થઇ શકે. આ બનાવમાં 3 મૃત્યુ છે, જેથી હવે પોલીસ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ તપાસ કરી રહી છે.
ગુજરાતમાં આયુર્વેદિક દવાના ઉત્પાદક : એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં 1415 જેટલા આયુર્વેદીક દવાના ઉત્પાદકો નોંધાયેલા છે. જ્યારે આ ઉત્પાદકો ગુજરાતમાં આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરીને દેશ અને વિદેશમાં પણ મોકલતા હોય છે અને આ તમામ વસ્તુની ગુણવત્તા પણ સારી હોય છે. પરંતુ નડિયાદમાં જે ઘટના ઘટી તેમાં આયુર્વેદિક દવા પીવાથી 3 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આવી દવાઓ રાજસ્થાન અને દમણથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. ભૂતકાળમાં પણ આવા કિસ્સા ધ્યાનમાં આવ્યા હતા. ત્યારે આવી દવાઓ પણ જપ્ત કરવામાં આવી છે.
રાજ્ય સરકારની કાર્યવાહી : ગુજરાતમાં આયુર્વેદિક દવાના પાંચ ઉત્પાદકો નોંધાયા હતા. પરંતુ તપાસના અંતે આવા ઉત્પાદકો બનાસકાંઠા, ડીસા, અમદાવાદ, વડોદરા અને કચ્છ જિલ્લામાં પાનના ગલ્લા પર પણ દવાનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. બાદમાં તમામ લોકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા. જ્યારથી ગુજરાતમાં પરમિશન આપતા નથી ત્યારે ગુજરાત બહારથી દવાનું ઉત્પાદન કરીને ખોટા નામથી ગુજરાતમાં વેચાણ થાય છે. ઉપરાંત રાજ્ય સરકારે એક કમિટી પણ તૈયાર કરી છે અને આ કમિટી ટૂંક સમયમાં રાજ્ય સરકારને રિપોર્ટ પણ કરશે, જેમાં ગુજરાત બહારથી આવતી ગેરકાયદેસર દવાઓને કઈ રીતે રોકી શકાય તે અંગે પણ નિર્ણય લેવાશે.