CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આ ઓથોરિટીની બીજી બેઠકમાં ટાપુઓ પર પ્રવાસન સહિતના સર્વગ્રાહી વિકાસની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જણાવવામાં આવ્યું કે, જિલ્લા કલેકટરો દ્વારા પિરોટન, કાળુભાર, ગાંધીયાકડો, પાનેરો, રોજી, અજાડ, ભાઇદર, શિયાળ, નોરા, પિરમ, વાલવોડ અને આલિયા બેટ તેમજ કેડીયા બેટ જેવા 13 જેટલા ટાપુઓને વિકાસની સંભાવનાઓ વાળા ટાપુ તરીકે ઓળખ કરવામાં આવી છે. ટાપુઓનો ડ્રોન ટેકનોલોજી દ્વારા મરિન પોલીસ અને કોસ્ટગાર્ડની સહાયથી સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો....23 આઇલેન્ડ-બેટનો પ્રવાસન ધામ તરીકે વિકાસ કરાશે, CM રુપાણીની અધ્યક્ષતા વાળી બેઠકમાં નિર્ણય
પિરોટન ટાપુ અને શિયાળ બેટ ટાપુની પ્રવાસન વિકાસ સંભાવનાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પિરોટન ટાપુ નજીકના ન્યૂ બેડી બંદરથી ત્યાં પહોચી શકવાની બાબતે આ ટાપુ પર લીમડો, કાથી, આંબળા, બાવળ જેવા વૃક્ષો અને ચેરના વૃક્ષ સહિત પરવાળા તેમજ ટાપુ પર લાઇટ હાઉસ-દીવાદાંડી વગેરેને કારણે ટાપુના પ્રવાસન ધામ તરીકે વિકાસની સંભાવનાઓ પ્રબળ છે. તેની ચર્ચા બેઠકમાં થઇ હતી.
શિયાળ બેટ ટાપુના સંદર્ભમાં આ બેઠકમાં જણાવવામાં આવ્યું કે, નજીકના પીપાવાવ પોર્ટથી શિયાળ બેટ સુવઇ બેટનું અંતર તેમજ સ્થાનિક ગ્રામ પંચાયત, વીજળી અને પાઇપ લાઇનથી પાણી પુરવઠો, સોનેરી રેત ધરાવતો સમુદ્ર પટ બીચ વગેરેને પરિણામે ત્યાં પણ પ્રવાસન વિકાસ સંભાવનાઓ રહેલી છે. બે ટાપુઓની સ્થિતીનો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને વ્યાપક વિકાસ સંભાવનાઓ માટે સૂચન કર્યુ હતું.