ઉઝબેકિસ્તાનમાં પ્રથમવાર યોજાઈ રહેલી ઇન્વેસ્ટમેન્ટ સમિટ ‘ઓપન અંદિજાન’ અંતર્ગત અંદિજાન પ્રદેશમાં વેપાર-ઉદ્યોગ અને રોકાણકારો માટે વિશ્વના અન્ય દેશો-પ્રદેશો સાથે વૈચારિક આદાન-પ્રદાનનું સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ફોરમમાં ઉપસ્થિત રહેવાના ઉઝબેકિસ્તાન તરફથી મળેલા આમંત્રણનો સ્વીકાર કરી તેઓ ઉદ્વઘાટન સત્રમાં CM વિજય રૂપાણી સહભાગી થયા હતાં.
ઉઝબેકિસ્તાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પાર્ટનર કન્ટ્રીઝ તરીકે જોડાયેલું છે. ત્યારે અંદિજાન પ્રદેશ, ફેરઘના વેલી રિજિયન સહિતના પ્રદેશો અને ઉઝબેકિસ્તાનમાં ગુજરાતની વાયબ્રન્ટ સમિટની પેટર્ન પર આર્થિક વિકાસ સહિત રોકાણો-ઉદ્યોગો આકર્ષિત કરવા આ ફોરમ ઉપયુક્ત બનશે.

ગત વર્ષ 2018માં અંદિજાન-ગુજરાત વચ્ચે પરસ્પર સહયોગ અને ભાગીદારી માટે થયેલા MoUનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, મધ્ય એશિયાના રાષ્ટ્રોમાં રહેલી વિશાળ સંભાવનાઓની ફલશ્રુતિએ ગુજરાતની ઘણી કંપનીઓ, ઉદ્યોગોને ઉઝબેકિસ્તાનમાં ફાર્માસ્યુટિકલ અને ટેક્સ્ટાઇલ સેક્ટરમાં રોકાણની તકો મળી શકે તેમ છે.

આ ઉપરાંત CM રૂપાણીએ અંદિજાનમાં શારદા યુનિવર્સિટીનો શુભારંભ કરાવ્યો હતો. જ્યારે અંદિજાનમાં પ્રથમ સ્વતંત્ર ખાનગી યુનિવર્સિટી શરૂ કરવાની પહેલ કરી છે. આ યુનિવર્સિટી ઉઝબેકિસ્તાનના અંદિજાન અને ફરગના પ્રદેશના યુવાઓને સ્કીલ ડેવલપમેન્ટ સાથે વર્લ્ડ ક્લાસ એજ્યુકેશનની સુવિધાઓમાં મહત્વની ભૂમિકા નિભાવશે, આ યુનિવર્સિટીમાં વિશ્વના વિવિધ દેશોના યુવાઓ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, મેડિકલ, બાયો મેડિકલ, સ્ટેમ સેલ- જીવ વિજ્ઞાનનું ગ્લોબલ એજ્યુકેશન મેળવશે.

સરદાર વલ્લભભાઈ પટેલ સૌથી ઊંચી મૂર્તિ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઉઝબેકિસ્તાનમાં પણ આજે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રવાસના પ્રથમ દિવસે આંદિજાનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું નામકરણ અને સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. જેમાં આંદિજાન પ્રદેશના ગવર્નર શુખરત અબ્દુરાહમોનોવન હાજર રહ્યા હતા.
CM રૂપાણીએ અંદિજાન ગવર્નરના આ ઉમદા કાર્યને બિરદાવતા જણાવ્યું કે, ગુજરાતમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે અને તેમના વિરાટ વ્યક્તિત્વ અને પ્રતિભાને ઉઝબેકિસ્તાને આજે અર્ધપ્રતિમા અનાવરણ અને સરદાર પટેલ સ્ટ્રીટ નામાભિધાનથી નવી ઊંચાઈ આપી છે.