ગાંધીનગર : રામ મંદિર અને ગુજરાતનો હંમેશા જૂનો નાતો રહ્યો છે. રામ મંદિરનું નિર્માણ થાય તે માટે સમગ્ર દેશમાંથી ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધી ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યાત્રા કરી હતી. ત્યારે હવે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થઇ રહ્યું છે અને નવનિર્મિત ભવ્ય રામ મંદિરનો 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. આ રામમંદિરના દર્શનાર્થે આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યાં હતાં. આ સમયે તેમણે ગુજરાતના દર્શનાર્થીઓ માટે રામ મંદિરની નજીક યાત્રીભવન બનાવવાની જાહેરાત કરી છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યા દર્શન : ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024ની તૈયારીઓના ભાગરૂપે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જાપાન અને સિંગાપોરના પ્રવાસે જઈ રહ્યા છે. ત્યારે પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અયોધ્યા જઈને રામ મંદિરના દર્શન કર્યા હતાં. સાથે જ ગુજરાતથી આવતાં દર્શનાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા યાત્રીભવન તૈયાર કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ભવનની પણ સમીક્ષા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રામ મંદિર અને ગુજરાતનો ખૂબ જૂનો સંબંધ છે ત્યારે ગુજરાતમાંથી પણ લાખોની સંખ્યામાં લોકો રામ મંદિરે દર્શન કરવા જશે પરંતુ ગુજરાતીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઈને જ રાજ્ય સરકારે દ્વારા યાત્રીભવન બનાવવાની જાહેરાત કરી છે.
મંદિર પરિસર નજીક નિવાસ સુવિધા : અયોધ્યામાં ગુજરાત સરકાર દ્વારા યાત્રીભવનનું નિર્માણ રામ ભક્તોના આસ્થા કેન્દ્ર સમા વિશ્વખ્યાત તીર્થક્ષેત્ર અયોધ્યામાં ભવ્ય રામમંદિર નજીક ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ હાથ ધરવાનો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. આ ભવ્ય રામમંદિરના દર્શને આવનારા શ્રદ્ધાળુઓને મંદિર પરિસર નજીક નિવાસ સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ યાત્રીભવનનું નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેથી ભગવાન શ્રી રામના દર્શન માટે આવતા ભાવિકો માટે આ યાત્રીભવન અધ્યાત્મ અને પ્રવાસનના સંગમસમું બની રહેશે.
રામ મંદિરની માહિતી લીધી : સીએમ ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિર સંકુલની પૂર્ણતાને આરે પહોંચેલી કાર્યવાહીની માહિતી મેળવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે રામલલ્લાના દર્શન- અર્ચન તેમજ હનુમાનગઢી મંદિરમાં હનુમાનજીના પણ દર્શનઅર્ચન કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આ ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક વીવીઆઈ, અનેક રાજ્યના મુખ્યપ્રધાનો, કેન્દ્રીય પ્રધાનો પણ હાજરી આપશે.