ગાંધીનગરઃ રાજ્યમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જૂનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર પરીક્ષાના દિવસે જ ફૂટી ગયું હતું. તેના કારણે સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે સરકારે પણ આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. તેવામાં હવે ગુજરાત કેબિનેટની બેઠકમાં પેપર લીક મુદ્દે કાયદા બનવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. આ જ કાયદાને વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકાર પસાર કરશે. બીજી તરફ મળતી માહિતી પ્રમાણે, કેબિનેટમાં પેપર લીક કાયદામાં ઓછી સજા હોવાના કારણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બીલને પરત કાયદા વિભાગમાં મોકવાનો નિર્ણય કર્યો હતો અને ફરીથી બિલ સુધારીને કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો Congress Protest: પરીક્ષા લઈ શકે એવો એક પણ અધિકારી સરકાર પાસે નથી, પેપર લીક મામલે કૉંગ્રેસનો વિરોધ
કેબિનેટમાં રજૂ થયેલા બીલમાં શું હતુંઃ 7મી ફેબ્રુઆરીએ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાત વિધાનસભામાં રજૂ થનારા પેપર લીક બિલનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, બીલમાં પેપર ફોડે તેવા આરોપીને 10 વર્ષની, પેપરની વહેંચણી કરે તેવા આરોપીઓને 5 વર્ષની અને ઉમેદવારો પેપર ખરીદી કરે તેને 2 વર્ષની જોગવાઈ કાયદા વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેને કેબિનેટની બેઠકમાં મુખ્યપ્રધાન સમક્ષ મૂકવામાં આવ્યા હતા, પરંતુ મુખ્યપ્રધાન આ જોગવાઈથી સંતુષ્ટ ન થતા ફરી નવી જોગવાઈ માટે અને કડક સજા માટેની સૂચના આપી છે.
આરોપીને બિનજામીન પાત્ર ગુનો, ઉમેદવારો આજીવન પ્રતિબંધઃ કાયદા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવનારા પેપર લીક બિલમાં કરાયેલી જોગવાઈની વાત કરીએ તો, પેપર કાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ અને પેપર નીચે વહેંચણી કરે તેવા તત્વોને ધરપકડ થયા બાદ તેમને જામીન જ ન મળે તેવો કડક કાયદો બનાવવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે જે ઉમેદવારો આવી રીતે પેપરની ખરીદી કરે તેવા ઉમેદવારને આજીવન જાહેર પરીક્ષા પર પ્રતિબંધ મુકવામાંં આવે તેવી જોગવાઈ માટેની પણ કડક સૂચના આપવામાં આવી છે.
કડક કાયદો ગૃહમાં પસાર થશેઃ રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે બિલ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પેપર ફોડનારા અને પેપર લેનારા સામે ગુજરાત વિધાનસભા ગૃહમાં કાયદો લાવવામાં આવશે અને તેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આ બિલમાં પેપર ફોડનારા અને ખરીદનારા બંને વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. જે પ્રશ્નપત્ર ખરીદશે તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આવા ઉમેદવારો જાહેર પરીક્ષા માટે હંમેશા માટે પ્રતિબંધિત કરાશે.
આ પણ વાંચો Junior Clerk Exam: એપ્રિલમાં યોજાઈ શકે છે પરીક્ષા, IPS હસમુખ પટેલ બનાવશે રણનીતિ
પેપર લીક કરનારા તત્વો જામીન પર નહીં છૂટી શકેઃ પેપર લીક બાબતે યુવા હતા યુવરાજસિંહ જાડેજાએ અગાઉ પણ આક્ષેપ કર્યા હતા કે, ગુજરાતમાં આજ દિન સુધી જે લોકોએ પણ પેપર ફોડવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. તેમના વિરુદ્ધ પોલીસે ગુનો તો દાખલ કર્યો છે, પરંતુ આવા તત્વો જામીન પર છૂટી જાય છે, જેથી બીજી પરીક્ષાના પેપર ફોડવા પણ તેઓ તાત્કાલિક ધોરણે પોતાનું નેટવર્ક તૈયાર કરી દે છે. આમ, ગુજરાત સરકાર ગુજરાત વિધાનસભા ગૃહમાં નવા કાયદાના ધ્યાનમાં લઈને પેપર ફોડવાથી લઈને પેપર ખરીદવા સુધીના તમામ વ્યક્તિઓને કડકમાં કડક સજા થાય અને મુખ્ય પેપર કોડનાર વ્યક્તિઓના જામીન પણ મંજૂર ન થાય તેવી જોગવાઈ નવા બીલમાં કરવામાં આવશે.