તે જ રીતે આ બ્રાંચમાં જિલ્લાના કયા અધિકારી અને કર્મચારીને નિમણૂંક આપવી તે અંગેના પણ કોઇ નિયમો બનેલા ન હોવાથી મોટા ભાગે જિલ્લાના પોલીસ વડાની ગુડબુકમાં રહેતાં લોકોને જ આ બ્રાંચમાં પોસ્ટીંગ આપવામાં આવતું હતું, પરંતુ આ બાબત ચલાવી ન લેવા માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ખાસ પરિપત્ર બહાર પાડીને જિલ્લાની LCBની કામગીરી તથા તેમાં આપવાની નિમણૂંક બાબતે વિસ્તૃત સુચનાઓ બહાર પાડવામાં આવી છે.
DGPએ પરિપત્રમાં LCB દ્વારા કરવાની રહેતી કામગીરી વિશે સૂચના આપી છે. જેમાં LCBએ મુખ્યત્વે ગંભીર ગુનાઓની તપાસ અને અન-ડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે. તે સિવાય ફરાર આરોપીઓ પકડવાની અનડીટેક્ટ મર્ડર શોધવાની, અજાણ્યા મૃતદેહને ઓળખી કાઢવાની, ગુનેગારોની મોડસ ઓપરેન્ડી તથા હિસ્ટ્રીસીટરોનો ડેટાબેઝ તૈયાર કરવાની, ગુમ થયેલ સગીર વયના છોકરા, છોકરીને શોધવા જેવી કામગીરી પણ LCBએ કરવાની રહેશે. પરિપત્રમાં તેવુ પણ જણાવવામાં આવ્યુ છે કે ગંભીર ગુનાના બનાવોમાં LCB પોલીસ ઇન્સ્પેક્ટરે જાતે સ્થળ મુલાકાત લેવી. આ ઉપરાંત હથિયારો અંગેના, માદક પદાર્થો અંગેના, મહિલા અને બાળકો વિરુદ્ધના, સાયબર ક્રાઇમ, પાસપોર્ટ એક્ટ અંગેના ગંભીર ગુનાઓની તપાસ પણ આ બ્રાંચ દ્વારા જ કરવાની સુચના આપવામાં આવેલ છે.
કેવા પ્રકારના પોલીસ અધિકારી, કર્મચારીઓને LCBમાં નિમણૂંક આપવી તે અંગે પણ પરિપત્રમાં વિસ્તૃત સુચનાઓ આપવામાં આવેલી છે. જેમાં ખાસ કરીને PSI માટે 5 વર્ષથી વધુનો અને PI માટે 7 વર્ષથી વધુનો અનુભવ ધરાવતાં અધિકારીને જ મૂકવા સૂચનો કરવામાં આવેલ છે. આ ઉપરાંત જે બાતમીદારોનું નેટવર્ક ધરાવતાં હોય, વિસ્તારની ભૌગોલીક અને સામાજીક પરિસ્થિતિથી વાકેફ હોય, ગુનાઓની તપાસ અને કાયદાનું પૂરતું જ્ઞાન ધરાવતાં હોય, મીડિયા કે સોશિયલ મીડિયામાં છવાઇ જવાની કે વૃત્તિ ન રાખે તથા સ્વચ્છ છાપ ધરાવતાં હોય તેવા જ અધિકારી, કર્મચારીઓને નિમણૂંક અપવા માટે સુચના કરવામાં આવેલ છે. LCB જેવી મહત્વની એજેન્સીના અધિકારી, કર્મચારી દારૂ, જુગારના કેસો કરવાની સાથે ગુપ્ત રીતે બાતમીદારો પાસેથી માહિતી લઇ આવી શકે તથા તમામ પ્રકારના સર્વેલન્સ તથા વૈજ્ઞાનિક ઢબે ગુનાની તપાસ કરી શકે તે માટે કુશળતા કેળવવા પર ભાર મૂકવામાં આવેલો છે.