ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ મહોત્સવનું આયોજન 9, 10 અને 11 જાન્યુઆરીના રોજ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે તમામ તૈયારીઓ અંતિમ સ્ટેજમાં છે અને 25થી વધુ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે ગુજરાત સરકાર સાથે જોડાયા છે. આ દરમિયાન હવે ભારત દેશમાં ઉદ્યોગપતિઓ અને વિદેશના ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ આપવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે, તેને લઈને પણ ખાસ ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે અલગ અલગ અધિકારીઓને આપેલી જવાબદારી કે જેમાં ટ્રાન્સપોર્ટેશન હોટલ્સ કે સહિતની તમામ બાબતની પણ સમીક્ષાઓ કરવામાં આવશે.
31 ડિસેમ્બરની સૂચના કેબીનેટમાં અપાઈ શકે છે : 31 ડિસેમ્બરે આ વખતે રવિવાર છે, ત્યારે 31મી ઉજવણીમાં કોઈપણ પ્રકારની કચાસ ન રહી જાય અને કોઈ અચૂંક ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તમામ જિલ્લા એસ.પી. પોલીસ કમિશનર અને રેન્જ આઈજી ને પણ સઘન તપાસ માટેની સૂચના આપવામાં આવશે. સાથે જ 31 ડિસેમ્બરની પાર્ટીમાં કોઈપણ અઘટિત ઘટના ન બને તેની પણ સૂચના ગૃહ વિભાગને આપવામાં આવશે.
પતંગ મહોત્સવનું આયોજન અને સમીક્ષા : સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું પણ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે કેબિને બેઠકમાં વાઇબ્રન્ટ ગુજરાતની સમીક્ષા કર્યા બાદ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બાબતની પણ સમીક્ષા કરવામાં આવશે. ઉલ્લેખની હશે કે જાન્યુઆરીના પ્રથમ 15 દિવસમાં રાજ્ય સરકાર દ્વારા અનેક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કોઈપણ ઇવેન્ટમાં કચાશ ન રહી જાય તે બાબતે પણ અધિકારીઓને ખાસ સુચના આપવામાં આવશે.