ગાંધીનગરઃ ભૂતકાળમાં લોકસભાની ચૂંટણી સામે હોય ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરતી નહતી. 2024માં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રથમ વખત ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પહેલા ગુજરાત સરકાર સંપૂર્ણ બજેટ 2024-25 રજૂ કરવાની છે. આગામી વર્ષે બજેટ સત્ર 1થી 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. જે અંતર્ગત 2 ફેબ્રુઆરીના રોજ નાણાં પ્રધાન કનુ દેસાઈ બજેટ રજૂ કરશે.
સત્રમાં કુલ 26 બેઠકોઃ 2024માં યોજાનારા બજેટ સત્રમાં કુલ 26 જેટલી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બજેટ ઉપર સામાન્ય ચર્ચા કરી બજેટને મંજૂર કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ શરુ થનાર બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ સ્વાગત પ્રસ્તાવ રજૂ કરશે. તેના બીજા દિવસે એટલે કે 2 ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન કનુ દેસાઈ રાજ્યનું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આ વર્ષે બજેટમાં લોકસભા ચૂંટણી સંદર્ભે ટેક્સમાં કોઈ વધારો જોવા મળશે નહીં તેમજ રાજ્યનું આગામી નાણાકીય વર્ષ 2024-25નું બજેટ 15થી 20 ટકા વધારા સાથેનું હોઈ શકે છે. તાજેતરમાં ધારાસભ્યોના રાજીનામાને લીધે આમ આદમી પાર્ટીના ફ્કત 4 અને કૉંગ્રેસના ફકત 16 ધારાસભ્યો ગૃહની કામગીરીમાં ભાગ લેશે. જો કે વિપક્ષને બજેટ સંદર્ભે સવાલ પુછવાની અને રાજ્ય સરકાર સાથે ચર્ચાની પૂરી તક આપવામાં આવશે. જેથી આ બજેટને રજૂ કરવાની કામગીરીમાં તટસ્થતા જળવાઈ રહે.
ગૃહ વિભાગ માટે પ્રાવધાનઃ વિશ્વસનીય સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે બજેટ 2024-25માં રાજ્ય સરકારના ગૃહ વિભાગ માટે ખાસ પ્રાવધાન હશે. ગુજરાતના તમામ જિલ્લાઓ અને પોલીસ કન્ટ્રોલ રૂમમાં મહિલા કર્મચારીઓને વિશેષ જવાબદારી સોંપાશે. ગૃહ વિભાગે સાયબર સેલ સંદર્ભે જે જોગવાઈ નાણાં વિભાગને કરી હતી તેનો નિર્ણય પણ બજેટમાં લેવાયો હોવાની શક્યતા છે.
વન વિભાગ માટે પ્રાવધાનઃ બજેટ 2024-25માં વન વિભાગને ઉચ્ચ ટેકનોલોજીથી સજ્જ કરવા માટેના પ્રાવધાન હશે. જેમાં વન્ય જીવોની મૂવમેન્ટને ગાંધીનગરથી ઓબ્જર્વ કરી શકાય તે માટે આધુનિક ટેકનોલોજીની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત બીટ ગાર્ડ અને વનરક્ષક ઉપયોગ કરી શકે તેવા ટેકનોલોજી ઉપકરણો પણ પૂરા પાડવામાં આવશે. નવા બજેટમાં વન્ય જીવોના સંરક્ષણ, બ્રીડિંગ સેન્ટરને નવી ટેકનોલોજીથી સજ્જ કરવાના પ્રાવધાન હશે.
શિક્ષણ વિભાગના પ્રાવધાનઃ ગુજરાતના 17 જિલ્લાઓ એવા છે કે જેમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ નહિવત છે. બજેટ 2024-25માં વધુ ગ્રાન્ટેડ શાળા અને અંગ્રેજી માધ્યમની શાળાઓને શરુ કરવા માટેની જોગવાઈ હશે. જેથી રાજ્યમાં અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા વધી શકે.
બજેટ 2024-25ને 1 ફેબ્રુઆરી 2024થી શરુ થતા બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ રાજ્યપાલના સ્વાગત પ્રસ્તાવના બીજા દિવસે 2 ફેબ્રુઆરીના રોજ નાણાં પ્રધાન કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. આ બજેટ ગુજરાતના વિકાસપથનું બજેટ હશે...ઋષિકેશ પટેલ(પ્રવકતા પ્રધાન)