ગાંધીનગરઃ એક તરફ પ્રદેશ ભાજપના હોદ્દેદારોની વરણીનો સમય નજીક આવી રહ્યો છે. તેવા સમયે વડોદરા સાવલી તાલુકાના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેને લઈને તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતો પત્ર અધ્યક્ષનાને મોકલ્યો છે. ત્યારે ભાજપ સહિત સરકાર આ બાબતે હચમચી ગઇ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વડોદરાના ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારના રાજીનામા અંગે જણાવ્યું હતું કે, મારે કેતનભાઈ સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે. પોતાના મતવિસ્તારના અમુક વિકાસકાર્યો બાબતે તેમની માગણીઓ હતી. તે બાબતે તેમની સાથે વિગતવાર ચર્ચા થઈ છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી મે એમને બાહેધરી આપી છે કે તેમના પ્રશ્નોનું યથાયોગ્ય નિરાકરણ થશે.
વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવા તેજ ગતિએ કાર્યરત છે. ત્યારે કેતન ઇનામદારની પણ લાગણીઓ ધ્યાને લઈ જે કંઈ ક્ષતિઓ હશે તે દુર કરવામાં આવશે. તેમની નારાજગી સંપૂર્ણ દૂર થઈ છે. આજે ગુરુવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી કેતન ઇનામદાર સાથે મુલાકાત કરશે અને તેમની સાથે તમામ બાબતોની ચર્ચા કરવામાં આવશે.