ગાંધીનગરઃ દેશના પશ્ચિમી રાજ્ય માટે ચિંતાનું મુખ્ય કારણ બનેલું બિપરજોય વાવાઝોડું અલગ દિશામાં ફંટાઈ ગયું છે. હવે તે જખૌ બાજું ફંટાયું છે. ગુજરાત માટે આંશિક ચિંતાનું કારણ એ છે કે, આ વાવાઝોડું જખૌના કિનારે હિટ કરી શકે છે. આ વાવાઝોડું પાકિસ્તાનથી જખૌ બાજું ફંટાયું છે. અરબી સમુદ્રમાં ઊભા થયેલા અને તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ ગયેલું બિપરજોય ગુરૂવાર સુધી ઉત્તર પશ્ચિમ દિશા બાજું આગળ વધી રહ્યું હતું. પાકિસ્તાનથી, ઈરાન તથા ઓમાન બાજુ ફંટાશે એવા એંધાણ હતા.
દિશા બદલીઃ રાતોરાત દરિયામાં બિપરજોયે પોતાની દિશા બદલી દેતા ઉત્તર પશ્ચિમની જગ્યાએ ઉત્તર પૂર્વીય કિનારો પકડી લેતા જોખમ વધી ગયું છે. જેના કારણે ગુજરાતનો હવામાન વિભાગ એલર્ટ મોડ પર એક્ટિવ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છ તથા આસપાસના જિલ્લાઓમાં 80થી 100 કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે વરસાદ ખેંચાઈ શકે છે. બિપરજોયની આગળ વધવાની ગતિ વધી રહી છે. વહેલી સવારે પોરબંદરથી 760 કિમી દૂર હોવાના રીપોર્ટ મળ્યા હતા. જે 600 કિમીના અંતર સુધી ાવી શકે છે. તારીખ 15 જૂન સુધી માછીમારોને માછીમારી ન કરવા માટે આદેશ દેવામાં આવ્યા છે.
હળવાશથી નહીં લેવાયઃ ચક્રવાતની તીવ્રતા અને ગતિને ધ્યાને લેતા ગુજરાતનું તંત્ર ચક્રવાતને હળવાશથી લેશે નહીં. પણ લેન્ડ ફોલ ક્યાં થશે તે હજુ નિશ્ચિત થયું નથી. સૌરાષ્ટ્ર-કચ્છના જખૌ, માંડવી, મુંદ્રા, કંડલા, નવલખી, બેડી, સિક્કા, ઓખા, દ્વારકા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, અલંગ, ભાવનગર, દહેજ, ભરૂચ, મગદલ્લા, દમણના પોર્ટ પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. વાવાઝોડાને પગલે હળવાથી ભારે વરસાદ થવાની પૂરી શક્યતાઓ છે. જોકે, છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના હવામાનમાં અણધાર્યા ફેરફાર આવી રહ્યા છે. જેના કારણે એકધારો તાપ વર્તાય રહ્યો છે તો ક્યારેક સતત ભેજને કારણે ચોમાસું સક્રિય થયું હોય એવો માહોલ જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને દરિયા કિનારાના પ્રદેશમાં એક પ્રકારે એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં આગામી 36 કલાક સુધી બિપરજોય વિકરાળ રૂપ લઈ શકે છે. જેની અસર કેરળ, કર્ણાટક અને ગોવામાં જોવા મળી શકે છે.
તમામ પોર્ટ પર એલર્ટઃ બિપોરજોય પોરબંદરથી 800 કિમી દૂર હોવાનું સવારે સાડા આઠ વાગ્યે જાણવા મળ્યું હતું. જોખમને ધ્યાને લઈને ગુજરાત રાજ્યના તમામ બંદર પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તમામ બીચ ખાલી કરાવી દેવામાં આવ્યા છે. દરિયા કિનારાના વિસ્તારમાં સવારથી વાદળછાયું હવામાન જોવા મળ્યું છે. એવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, દરિયા કાઠાના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. એક નંબરનું સિગ્નલ સેટ કરવા માટે પણ આદેશ દેવાયા છે. સમુદ્રમાં એક પ્રકારનું પ્રેશર ઊભું થઈ રહ્યું છે.