ગાંધીનગર: કોરોના વાઇરસના કહેરને કારણે ફસાયેલા શ્રમિકોને પોતાના વતન રવાના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ મુદ્દે ગુજરાતમાં રાજકારણ થઈ રહ્યું છે. ત્યારે રાજયકક્ષના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે શ્રમિકો મુદ્દે રાજકારણ નથી કરતા.
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના કહેરમાં શ્રમિકોને પોતાના વતન જવા માટે રાજ્ય સરકારે 200થી વધારે ટ્રેનની વ્યવસ્થાઓ કરી દીધી છે. શ્રમિકો પોતપોતાના વતનમાં જઇ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આમ, જ્યારે ગંભીર સમય છે લોકો ચિંતિત છે ત્યારે અમે આ મુદ્દે રાજનીતિ કરવા નથી માંગતા અને રાજનીતિ નથી કરી રહ્યા.
કોંગ્રેસ પક્ષ પોતાના આકાઓના સાથે મદ્રેસાના લોકો માટે 6.37 લાખ રૂપિયા ભરીને ભરૂચથી બિહાર ટ્રેન મારફતે મોકલ્યા, તેમાં મતોની રાજીનીતિ છે. પરંતુ અમે અત્યાર સુધી ૩ લાખ જેટલા લોકોને પોતાના વતનમાં મોકલ્યા છે. આ તમામ સમુહોમાંથી ફક્ત 60,000 શ્રમિકોના પૈસા કોંગ્રેસે ભર્યા હોય તો પણ બતાવે. કોંગ્રેસ શ્રમિકો મુદ્દે અત્યારે પણ રાજનીતિ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી લાખોથી વધુ શ્રમિકો ટ્રેન મારફતે પોતાના વતન પહોંચી રહ્યા છે. જોકે રાજયમાંં હવે કોરોના અને શ્રમિકોના મુદ્દે પણ રાજીનીતિ થઈ રહી છે.