ગાંધીનગર : જિલ્લામાંંથી રવિવારે સાંજના છ વાગ્યાના અરસામાં દહેગામ તાલુકાના બોર્ડર ઉપર આવેલા દેવકરણના મુવાડા ગામમાં એક સફેદ કલરની કાળા કાચ વાળી સ્વીફ્ટ કાર પૂરઝડપે જઈ રહી હતી. તે દરમિયાન ગામના જ એક આધેડ પોતાનું બાઇક લઇને જઇ રહ્યા હતા. જેને ટક્કર મારી હતી. ટક્કર મારનાર કારમા ચાર કર્મી દહેગામ પોલીસ સ્ટેશનના D સ્ટાફમાં ફરજ બજાવી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પોતાના જ ગામના વ્યક્તિને કાર ચાલકે ટક્કર મારી હોવાની વાત સ્થાનિકોને થતા મોટી સંખ્યામાં લોકો બનાવ સ્થળે એકઠા થયા હતા અને કારચાલકોને બહાર કાઢીને મેથીપાક ચખાડ્યો હતો, ત્યારબાદ આ કારમાં સવાર લોકો સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. જ્યારે સ્થાનિકોએ ગાડીની તપાસ કરતા તેમાંથી બે પેટી દારૂ મળી આવ્યો હતો. જ્યારે બાઈક ચાલકને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર હોસ્પિટલાં ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. બાઇકચાલકને ટક્કર મારનાર કારચાલક દહેગામ પોલીસ સ્ટેશનના D સ્ટાફમાં ફરજ બજાવી રહ્યો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસ દ્વારા દારુબંધીને લઈને સઘન પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે પોલીસની કારમાંથી જ બે પેટી દારૂ મળ્યો હોવાની વાતને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પોલીસ પોતે બુટલેગરોને માલ સપ્લાય કરતી હતી કે શું તે એક મોટો સવાલ સામે આવી રહ્યો છે. બીજી તરફ આ બાબતે દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઇ કે. આર. ડીમરી સાથે વાતચીત કરતા તેેઓએ જણાવ્યું હતું કે દેવકણનામુવાડા પાસે અકસ્માત સર્જનાર પોલિસ કર્મીની કાર હતી, પરંતુ તે પીધેલા છે કે નહીં તે હજુ સામે આવ્યું નથી, કારણ કે તે લોકો હજુ પકડાયા નથી.