સમગ્ર માહિતી મુજબ ગાંધીનગર પાસે આવેલા રાંધેજા ગામમાંથી 60 લોકો લક્ઝરી બસ કરીને રાજસ્થાન સહિતના અલગ અલગ પ્રવાસન સ્થળો ઉપર ફરવા માટે ગયા હતાં, ત્યારે ગત 10 નવેમ્બર રવિવાર સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં પ્રવાસીઓની લક્ઝરી બસ મોડાસા પાસે આવેલા વાટડા ટોલ પ્લાઝા પાસે પહોંચતા જ કેટલાક શખ્સો દ્વારા મારી ઓવર ટ્રેક કેમ કરી કહીને લક્ઝરી બસના ડ્રાઇવરને મૂંઢ માર મારવામાં આવ્યો હતો. તે દરમિયાન કેટલાક પ્રવાસીઓ બચાવમાં ઉતર્યા હતાં. તો તેમને પણ 15થી 20 લુખ્ખા તત્વોએ લાકડી અને પાઇપ વડે તૂટી પડયા હતાં. જેમાં 60 વર્ષીય બચુજી લક્ષ્મણજી પરમારને માથાના ભાગે, 60 વર્ષીય પોપટજી લક્ષ્મણજી પરમારને પીઠ ઉપર, રાંદેસણ ઈશ્વરજી બળદેવજી ઠાકોરને શરીર ઉપર હુમલો કરતાં ગાંધીનગર પાસેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં દાખલ કરવામાં આવ્યા છે. જેઓ હાલમાં કોમામાં સરી પડ્યા છે.
ઉલ્લેખનિય છે કે ગુંડાઓએ વૃદ્ધ મહિલાઓને પણ નિશાન બનાવતા 56 વર્ષીય સીતાબેન પોપટજી પરમારને પેટના ભાગે, 50 વર્ષીય કૈલાસબેન ખોડાજી ઠાકોરને છાતીના ભાગે ઈજા પહોંચાડી હતી, તેમજ અમદાવાદના જશવંતસિંહ દુર્જનસિંહ ચૌહાણ, સુરેશભાઇ પ્રજાપતિ, હિરેન પટેલ અને રાંધેજાના રાજેન્દ્ર ત્રિવેદીને મુંઢ માર મારતા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ભોગ બનનાર રાંધેજાના બચુજી પરમારે કહ્યું કે, લુખ્ખા તત્વો દ્વારા અમારી લક્ઝરી બસને આંતરવામાં આવી હતી, ત્યારબાદ આ તત્વોએ થોડે દૂર જઈને અમારી સામે લૂંટ ચલાવી હતી. જેમાં સોનાના દાગીના અને રોકડ સહિત બે લાખ રૂપિયા જેટલી રકમની માલમતા લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ બનાવને લઈને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ દ્વારા અમારા ડ્રાઈવર પાસે કેસને લઇને 20,000 રૂપિયા લેવામાં આવ્યા હતાં. ઓળખ પરેડ દરમિયાન પોલીસને આરોપીઓ બતાવવામાં આવ્યા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આમ, ભોગ બનનાર પ્રવાસીઓએ પોલીસ પર ઊલટા ચોર કોટવાલ કો ડાટે જેવું કામ કર્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતાં.