- કોરોના સંક્રમણ વચ્ચે સ્વર્ણિમ સંકુલ-1માં સેનેટાઇઝર મશીન મુકાયું
- મશીનમાં ઓટોમેટીક તાપમાન ચેક થશે
- જો વ્યકિતનું તાપમાન 100 ઉપર હશે તો મશીનમાંથી એલાર્મ વાગશે
- તાપમાન ચેક થયા બાદ વ્યક્તિના પુરા શરીરને સેનેટાઇઝ કરશે
ગાંધીનગર: કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર કમર કસી રહી છે. જેમાં કોરોનાથી ભાજપ અને કોગ્રેસના કાર્યકર્તાઓ કે ધારાસભ્યો પણ બચી શક્યા નથી. આ વચ્ચે કોરોના સંક્રમણ ફેલાતો અટકાવવા માટે સ્વર્ણિમ સંકુલ-1માં સેનેટાઇઝર મશીન મુકવામાં આવ્યું છે.
સ્વર્ણિમ સંકુલ-1ની બહાર મુકવામાં આવેલા હાઇટેક તોતિંગ સેનેટાઈઝર મશીન બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતીન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદની એક ખાનગી કંપની દ્વારા આ મશીન નિ:શુલ્ક ધોરણે મૂકવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ મશીનમાં જ્યારે વ્યક્તિ પોતાને ચેક કરવા માટે પ્રવેશે ત્યારે તેનું તાપમાન પણ ઓટોમેટીક ચેક થાય છે અને જો તેનું તાપમાન 100 કરતાં વધુ હોય તો મશીનમાંથી એલાર્મ વાગે છે. આ ઉપરાંત મશીનની અંદર તાપમાન ચેક થયા બાદ વ્યક્તિના પુરા શરીરને સેનેટાઈઝર કરવામાં આવે છે.
આમ, હવે સેનેટાઈઝર મશીનનો ઉપયોગ કરીને સંક્રમણથી બચવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કોઈપણ વ્યક્તિને કે અધિકારી કોઈપણ પ્રધાનની ચેમ્બરમાં હોય તો ત્રણ વખત સેનેટાઈઝરની પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ પ્રવેશ મળે છે.