- ભરૂચમાં નવી મેડીકલ કોલેજ શરૂ કરાશે
- કેન્દ્ર સરકારે મેડીકલ કોલેજની આપી મંજૂરી
- કેન્દ્ર સરકારે 150 બેઠકો સાથે મંજૂરી આપી
ગાંધીનગરઃ બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ સ્થાપવા અંગેની રાજ્ય સરકારની નીતિ અન્વયે કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય મેડીકલ કમિશન દ્વારા ગુજરાતના ભરૂચમાં આવેલી ડો.કિરણ સી. પટેલ મેડીકલ કોલેજ અને રીસર્સ ઇન્સ્ટીટ્યુટે ભરૂચ ખાતે મેડીકલ કોલેજ સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત કરી હતી. જે અન્વયે ભરૂચ ખાતે નવી મેડીકલ કોલેજ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે 150 બેઠકો સાથે મંજૂરી આપી છે.
રાજ્ય આરોગ્ય પ્રધાને આપી માહિતી
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે, ભરૂચની હયાત સિવિલ હોસ્પિટલનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે 300 પથારીની સુવિધા ઉપલબ્ધ બનશે. જેનો લાભ ભરૂચ જિલ્લાના તથા અન્ય દર્દીઓને મળશે.
રાજ્યમાં 34 મેડીકલ કોલેજ કાર્યરત
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 34 મેડીકલ કોલેજો કાર્યરત છે. ભરૂચ ખાતે આ નવી મેડીકલ કોલેજના નિર્માણ થકી 150 બેઠકો ઉમેરાતા હવે રાજ્યમાં 6150 જેટલી તબીબી શિક્ષણ માટેની બેઠકો ઉપલબ્ધ બનશે.
આદિવાસી સમાજના લોકોને મદદરૂપ
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્યના નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે 100 બેઠકો સાથેની નવી કોલેજને મંજૂરી મળેલ છે. ત્યારે રાજપીપળાની નજીકના ભરૂચ જિલ્લામાં વધુ 150 બેઠકોની નવી મેડીકલ કોલેજ મળતાં આસપાસના વિસ્તારના અને ખાસ કરીને આદિવાસી સમાજના નાગરિકોને વધુ સારી આરોગ્ય વિષયક સેવાઓ ઝડપથી મળી શકશે.