માણસા તાલુકાના લાકરોડા વિસ્તારમાં પુલનીચે ગણેશ વિસર્જન કરવા આવેલા ભક્તોમાંથી ત્રણ યુવાનો નદીના પ્રવાહમાં તાણાતા જોવા મળ્યા હતા જેને જોઈને એક જીવ દયા પ્રેમી આધેડ કંઈ પણ વિચાર્યા સિવાય તેમનો જીવ બચાવવા માટે ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હતું. તેઓ આ ત્રણ જીંદગી બચાવવાની જગ્યાએ તેમની જિંદગીનો જંગ હારી ગયા હતા. બપોરના બનેલી ઘટના બાદ મોડી સાંજ સુધી શોધખોળ કરતા તેમાંથી માત્ર એક મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય ત્રણની શોધખોળ હાથ ધરાઈ હતી. મોડી સાંજ સુધી કોઈ પત્તો ન લાગતા માણસા પાલિકાની ફાયરબ્રિગેડની ટીમને એલર્ટ રહેવા જણાવ્યું હતું અને સવારે આઠ વાગ્યે પોતાની કામગીરી હાથ ધરી હતી જેમાં બપોર સુધીમા અન્ય ત્રણ મૃતદેહને પણ બહાર કાઢવામાં આવ્યા હતા અને માણસા સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરી પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
મૃતકોના નામ
સંજય કુમાર સોમાભાઈ પટેલ ઉંમર વર્ષ 18
પટેલ સુરેશકુમાર પ્રકાશભાઈ ઉંમર વર્ષ 17
રાવળ અજયભાઈ ઇશ્વરભાઇ ઉંમર વર્ષ 16
રાવળ ગાડા ભાઈ ગમાભાઈ ઉંમર વર્ષ 43
આ અંગે માણસા ફાયરબ્રિગેડના હિતેન્દ્રસિંહ ચારણે જણાવ્યું હતું કે, તેમને રાત્રે આ ઘટના અંગે જાણ કરી ટીમ સાથે એલર્ટ રહેવા જણાવાયું હતું અને સવારે સુચના મળતા જ તેઓ ટીમ સાથે પહોંચી ગયા હતા અને યા પુલ નીચે આ ત્રણ મૃતદેહો ફસાઈ ગયેલા હોય બહાર દેખાયા ન હતા પરંતુ તેમની ટીમના યુવાનોએ પાણી માં અંદર સુધી જઈ તપાસ કરતા મળી આવ્યા હતા અને ત્રણેય મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
માણસા મામલતદાર દ્વારા પણ આ ઘટનાની સમાચાર મળતા જ એલર્ટ થઈને કસ્બા તલાટી પિયુષ ચૌધરીને ઘટનાસ્થળે મોકલી આપવામાં આવ્યા હતા અને ગતરોજ મળે એક મૃતદેહ અને આજે સવારે મળેલ ત્રણે મૃતદેહ બાબતે પંચનામાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી હતી.