ગાંધીનગર પાસે આવેલા કૃષિ ભવનમાં ખેતી નિયામકની કચેરીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય ચિરાગ કાલરીયા, બ્રિજેશ મેરજા અને ઋત્વિક મકવાણા દ્વારા સહીત કિસાન આગેવાન પાલ આંબલીયા કચેરીમાં 24 કલાકથી ધારણા કરી રહ્યા છે. ધારાસભ્યો સહિત ખેડૂત આગેવાનોની માંગ છે કે, સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ખેડૂતોને જે પાક વીમા સહાય ચૂકવવામાં આવી છે, તેના આંકડા જાહેર કરવામાં આવે. આ બાબતે સોમવારે ખેતી નિયામકની સાથે 30 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ અધિકારી પોતાની ચેમ્બર છોડીને મિટિંગમાં જવાનું કહીને ગયા હતા. પરંતુ અધિકારી બીજા દિવસ સુધી પણ જોવા મળ્યા નથી. જ્યારે ધરણા કરી રહેલા આગેવાનોએ કચેરીમાં જ રાતનું ભોજન લીધું હતું અને આરામ પણ ફરમાવ્યો હતો.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કૃષિ નિયામક કચેરીમાં મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, 24 કલાકથી ધારાસભ્યો ખેતી નિયામક BM મોદીની ચેમ્બરમાં ધરણાં ઉપર બેઠા છે, સરકારને ખેડૂતોની પડી નથી. ત્યારે ખેડૂત વિરોધી ભાજપ સરકારને તેનો જવાબ મળશે. આ બાબતે હવે ધારાસભ્ય સહિતના આગેવાનો કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારબાદ તેમની માંગણી નહીં સંતોષાય તો ગુજરાતના રાજ્યપાલને પણ આવેદન આપી તેમની રજૂઆત કરશે.