ગાંધીનગરઃ દુનિયાભરમાં હડકંપ મચાવી દેનાર કોરોના વાઈરસ સામે જનજાગૃતિ માટે સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યના મુખ્યપ્રધાન સહિત નેતાઓ તકેદારી રાખવા અને કાળજી રાખવા અપીલ કરી રહ્યા છે. આ અણધારી આફતમાં માનવતાને અભરાઈએ ચઢાવી કેટલાક લોકો પોતાનો ફાયદો કાઢી રહ્યા છે. જેના ઉદાહરણો પાછલા કેટલાક દિવસોમાં મળ્યા છે. દવાની દુકાનોવાળા લોકોની જરૂરિયાત અને મજબૂરીનો ફાયદો ઉઠાવી માસ્ક અને સેનેટાઈઝરની ઉંચી કિંમતો વસુલી રહ્યા છે. આવો જ બનાવ પાટનગર ગાંધીનગરમાં પણ સામે આવ્યો છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલી ત્રણ મેડિકલ સ્ટોર્સના સંચાલકોને માસ્ક, સેનેટાઈઝર જેવી ચિજવસ્તુઓ પર પ્રિન્ટેડ કિંમત કરતા વધુ વસૂલતા હતાં.જેમને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
રાજ્યના આરોગ્ય પ્રધાને જણાવ્યુ હતુ કે, કોરોના વાઈરસને વધતી જતી પકડ વચ્ચે રાજ્યમાં માસ્ક,સેનેટાઈઝરનો ભાવ વધુ લઈ રહ્યા છે તેને છોડવામાં આવશે નહીં. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમ છતાં રાજ્યભરમાં મેડિકલ સ્ટોર્સમાં સેનેટાઈઝર અને માસ્કના કાળાબજાર થઈ રહ્યા છે. જો કે તોલમાપ અને ગ્રાહક સુરક્ષા વિભાગ સફાળુ જાગ્યુ છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી ગાંધીનગર મેડિકલ સ્ટોરમાં MRPમાં જુુની કિંમત ઉપર નવી વધારે કિંમતનું સ્ટીકર લગાડીને વેપાર કરવામાં આવતો હતો. ત્યારે આ બાબતે કેસ કરી 8 હજાર રુપિયા કમ્પાઉન્ડીંગ ફી વસુલ કરવામાં આવી છે. અર્બુદા મેડીકલ સ્ટોરમાં સેનેટાઇજરની બોટલમાં 100 મિલિની બોટલમાં 6 મિલિ ઓછુ લીક્વીડ હોવા બદલ કેસ કરી 3 હજાર રુપિયા દંડ વસુલ કરાયો છે. જય અંબે મેડિકલ સ્ટોરમાં 12 મિલિ ઓછું લિક્વિડ હોવાથી કેસ કરી 9 હજાર દંડ કરાયો છે. વડોદરામાં કુલ 10 કેસો કર્યા છે. જેમાં 6 કેસ ભાવ વધારે લેવાના અને 4 કેસોમાં ભાવમાં છેકછાક કરવાના કર્યા છે. આવા 4 કેસ અમરેલીમાં પણ નોંધાયા છે.