ગાંધીનગર: કોરોના વાઈરસના ફેલાવાને કારણે હાલ લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે લોકો ટાઈમ પસાર કરવા માટે હવે જુગારના રવાડે ચડ્યા હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. દહેગામ નગરપાલિકામા સેનેટરી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા શખ્સ સહિત ત્રણ લોકો જુગાર રમતા ઝડપાયા છે. જ્યારે બે લોકો ફરાર થઈ ગયા હતા. આ સાથે આશ્ચર્ય લોકોને થઈ રહ્યું છે કે, પોલીસે સ્થળ પરથી વાહનો જપ્ત કર્યા નથી.
મળતી માહિતી મુજબ, દહેગામના ઈન્દિરા નગર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન કેટલાક લોકો કુંડાળું કરીને જુગાર રમી રહ્યા હતા. હવે પોલીસે આ જગ્યા પર રેડ કરતા ત્રણ લોકો પકડાયા હતા. જેમાં દિપક મનુભાઈ અમીન દહેગામ નગરપાલિકામાં સેનેટરી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. પ્રવીણ કનુભાઈ પ્રજાપતિ રહે દહેગામ અને રણજીત ફુલાભાઈ બારૈયા રહેવાસી સાણોદાને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે માસંગજી પોપટજી ઠાકોર અને અનિલ ગોસ્વામી (બંને રહે સાણોદા) ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી દાવ પર લગાવેલા અને અંગજડતી કરી કુલ રૂપિયા 27,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બીજી તરફ આ બનાવમાં ક્યાંક ભીનું સંકેલવામાં આવ્યું હોય, તેવું પણ જોવા મળી રહ્યું છે. સ્થળ પર એક ઈકો કાર, અલ્ટો કાર એક્ટીવા, એવેન્જર બાઈક પડ્યા હતા, તેમ છતાં પોલીસે તેને જપ્ત કર્યા નથી. FIRમાં આ વાહનો દર્શાવ્યા નથી. બીજી તરફ આ બનાવને લઈને શનિવારે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો પણ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા.
આ મામલાને રફેદફે કરવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ સમગ્ર શહેરમાં આ બનાવની જાણ થઈ જતા તેમના વિરુદ્ધ જુગારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. સામાન્ય જુગારના કેસમાં આરોપીઓના ફોટા પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવે છે. પરંતુ આ કેસમાં ફોટા પણ જાહેર કરવામાં આવ્યા નથી.