ગાંધીનગર: 24મી ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન ગાંધીનગરના કરાય એકેડેમી ખાતે આયોજિત થઈ રહી છે. અલગ અલગ રાજ્યના 15 ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. જ્યારે CRPF, રેલવે, પોલીસ ફોર્સ, BSF, ITBP જેવી પાંચ કેન્દ્રીય એજન્સીઓએ પણ બેન્ડ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે. આમ 20 ટીમમાં કુલ 1200થી વધુ સભ્યો કોમ્પિટિશનમાં ભાગ લેશે અને 8 ડિસેમ્બરના રોજ પરિણામ પણ જાહેર કરવામાં આવશે.
ગુજરાત પોલીસનું સ્પેશિયલ મહિલા બેન્ડ: ગાંધીનગરના કરાય પોલીસ એકેડેમી ખાતે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, BSF જેવા અનેક રાજ્યોના પોલીસ બેન્ડ દ્વારા પરેડ કરવામાં આવી હતી. જેની અંદર મહિલા સભ્યો પણ હાજર રહ્યા હતા. ત્યારે ગુજરાત પોલીસ બેન્ડમાં એક પણ મહિલા સભ્યો હાજર ન હતા પરંતુ તમામ રાજ્યો અને એજન્સીના પરેડ પૂર્ણ થયા બાદ સ્પેશિયલ ગુજરાત મહિલા પોલીસ બેન્ડ દ્વારા ખાસ પરેડ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ દ્વારા પ્રથમ વખત મહિલા બેંન્ડ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત મહિલા પોલીસ બેન્ડ દ્વારા હરીફાઈમાં ભાગ લેવામાં આવશે.
'આજથી 24મી પોલીસ બેન્ડ કોમ્પિટિશનની શરૂઆત થઈ છે જે આવનારા ચાર દિવસ સુધી કાર્યરત રહેશે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી આવેલ વિવિધ રાજ્યના પોલીસ ટીમનું પણ હું સ્વાગત કરું છું. ગુજરાતનું સૌભાગ્ય છે કે 24મી ઓલ ઇન્ડિયા પોલીસ કોમ્પિટિશન કરવાનું યજમાન પદ પ્રાપ્ત થયું છે. ત્યારે છેલ્લા બે મહિનાથી અમે તમારા સ્વાગત અને જાળવણી માટેનું આયોજન કરી રહ્યા હતા જ્યારે પોલીસ બેન્ડ દ્વારા તમામ રાજ્ય અને એજન્સીઓની પોલીસ ધૂન અલગ અલગ હતી, પરંતુ દેશભક્તિ એક હતી.'- હર્ષ સંઘવી, ગૃહપ્રધાન