ધોલેરા સ્પેશયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનની SPV ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમીટેડ અને CASME વચ્ચે થયેલા આ MoU અંતર્ગત રૂપિયા 10,500 કરોડના સંભવિત મૂડીરોકાણ સાથે ચાઇના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આગામી દિવસોમાં શરૂ કરાશે. આ પાર્કમાં પ્રદૂષણ રહિત અને હાઇ ટેકનોલોજીયુકત ઉદ્યોગો ચીનના ઉદ્યોગકારો શરૂ કરશે. આ કરારથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મળીને કુલ 15 હજાર જેટલા યુવાઓને સ્થાનિક સ્તરે રોજગારી મળશે એવુ કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચીનના રાષ્ટ્રપતિ યુત ઝિન પીંગની 2014માં ગુજરાતની મુલાકાત અને 2015માં ગુજરાતના એક હાઇલેવલ ડેલિગેશનની મુલાકાતની ફલશ્રુતિ રૂપે ચાઇનાના ઉદ્યોગકારો ગુજરાતમાં મોટાપાયે રોકાણ માટે પ્રેરિત થયેલા છે.
આ MOUને પરિણામે હવે ચીનના મધ્યમ અને નાના ઉદ્યોગોને પણ ગુજરાતમાં રોકાણની તકો મળી શકે છે. આ MOU વેળાએ ચાયનીઝ ડેલિગેશનને ગુજરાતમાં મોટા પાયે આવી રહેલા FDI સંદર્ભમાં જણાવ્યું કે, આગામી 2022 સુધીમાં ચાયનીઝ ઉદ્યોગકારો પોતાના પ્લાન્ટ-એકમોની જરૂરી પ્રોસેસ પૂર્ણ કરી રાજ્યમાં ઉત્પાદન શરૂ કરી પ્રોત્સાહનોનો લાભ મેળવે તે સમયની માગ છે.