યાત્રાધામ દ્વારકાના મુખ્ય મંદિરના દક્ષિણ દિશામાં પવિત્રી ગોમતી નદી વહે છે. ગોમતી નદીને અનેક ધાર્મિક વિધિ માટે ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. એક એવી માન્યતા છે કે, ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા પહેલા ગોમતી નદીમાં સ્નાન કરવું જરૂરી છે. ગોમતીમાં સ્નાન કરીને દર્શન કરવાથી તમારી યાત્રા સફળ થાય છે.
હિન્દુ ધર્મમાં ગોમતી નદીનું ખુબ જ મહત્વ છે. અહીં આવતા તમામ યાત્રાળુઓ ગોમતીમાં સ્નાન કરીને પૂણ્ય કમાય છે. એટલું જ મહત્વ ગોમતી નદીમાં રહેતી માછલીઓને પણ આપવામાં આવ્યું છે. અનેક હિન્દુ ધાર્મિક પુસ્તકોમાં કહેવામાં આવ્યું છે કે, ગોમતી નદીમાં રહેતી માછલીઓને અન્નદાન કરવાથી તમને મનની શાંતિ મળે છે. તમારા ઉપર કોઈ પણ જાતનું દેવું હોય તો ઓછું થાય છે.
તેથી જ દ્વારકાના સ્થાનિક લોકો અને દુર-દુરથી આવતા યાત્રાળુઓ કાયમી ગોમતી ઘાટ પર આવીને ઘઉંનો લોટ અને તેમાં ગોળ ભેળવીને નાની-નાની ગોળીઓ બનાવીને માછલીઓને ભાવથી ખવડાવે છે.