દેવભૂમિ દ્વારકા: તાલુકાના ઘડેચી ગામમાં 2 દિવસ અગાઉ 6 મહિલા સહિત કુલ 10 લોકોની જિલ્લા LCB પોલીસે ધરપકડ કરી હતી. જેમાંથી એક મહિલાએ શુક્રવારે મામલતદાર કચેરીએ જામીન મેળવતી વખતે LCB પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
મહિલાએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે, તેમને માર મારવામાં આવ્યો હતો અને જુગારની રમક ઉપરાંત કુલ 1,70,000થી વધુ રૂપિયા પોલીસે જપ્ત કર્યા છે અને ફરિયાદમાં માત્ર 31 હજાર જેટલી નાની રકમ જાહેર કરી છે. આ ઉપરાત પોલીસે એક મહિલાને લાફો પણ માર્યો હતો.
LCB પોલીસે આ તમામ 10 આરોપી, રોકડ રકમ અને મોબાઈલ મીઠાપુર પોલીસને સોંપ્યા હતા. આ સમયે LCB પોલીસે જુગારીઓ પાસેથી 34,190 રોકડ તેમજ મોબઈલ મળી કુલ 36,690 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવાની ફરિયાદ દાખલ કરી હતી.
આ સમગ્ર ઘટના અંગે આરોપી મહિલાએ જણાવ્યું કે, તેમના સાથે કરવામાં આવેલા ગેર-વર્તનની ફરિયાદ તે ઉચ્ચ કક્ષાએ કરશે.
આ અંગે ETV BHARAT દ્વારા દ્વારકા LCBના PSI ઝાલા સાથે ટેલિફોનિક વાત કરવામાં આવી હતી. જેમાં તેમણે આરોપો વખોડીને જણાવ્યું કે, આરોપી મહિલાઓ તેમના પર ખોટા આરોપો લગાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આવી ઘટનાઓમાં પોલીસ પર મોટાભાગે આ પ્રકારના આરોપો લાગતા હોય છે. જેથી પોલીસ આવી ઘટનાઓની વીડિયોગ્રાફી પણ કરતી હોય છે. આ ઘટનામાં પોલીસે વીડિયોગ્રાફી કરી કે નહી? જો ન કરી હોય તો કેમ? તે અંગે સમગ્ર પથંકમાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે.