દ્વારકા મંદિર ચોકમાં ફાયર અને એમ્બુલન્સની ગાડીને જવા માટે માત્ર એક જ માર્ગ, દ્વાકરા મંદિર ચોકમાં અનેક નાની-મોટી વેપારીની દુકાનો અને મકાનો આવેલા છે. ત્યાં જવા માટે કુલ ચારમાંથી એક માર્ગ ખુલ્લો છે અને તે પણ ફરીને જવાનું હોય છે. જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો ફાયરટીમને સ્થળ પર પહોંચતા સમય લાગે તેમ છે.
સુરતમાં થયેલા અગ્નિકાંડ અને હાલમાં "વાયુ" વાવાઝોડાના કારણે ગુજરાત સરકારની કામગીરીની સમગ્ર વિશ્વમાં નોંધ લેવાઈ હતી. સુરતમાં માનવ ભૂલને કારણે 22 જેટલા નિર્દોષ બાળકોનો ભોગ લેવાયો હતો. પરંતુ હાલમાં "વાયુ" વાવાઝોડું જ્યારે ગુજરાત અને ખાસ કરીને વિશ્વ દ્વારકા પર ત્રાટકવાનો છે, તેવી હવામાન ખાતા દ્વારા સૂચના આપવામાં આવતા સમગ્ર વિશ્વની નજર દ્વારકા પર હતી. પરંતુ સદ્દનસીબે ''વાયુ'' ઓમાન તરફ વળી જતા તંત્રે અને લોકોના શ્વાસ નીચે બેઠા હતા. પરંતુ આ બંને અનુભવ બાદ દ્વારકાના ચીફ ઓફિસરને દ્વારકાની મોટા ભાગની સાંકળી ગલીઓ અને ખાસ કરીને દ્વારકા મંદિર ચોકમાં માત્ર ત્રણથી ચાર ફૂટની સાંકળી ગલીઓને કારણે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે તો દ્વારકાની ફાયરની ગાડી સ્થળ સુધી પહોંચવી મુશ્કેલ બને તેવી પરિસ્થિતિ જોવા મળી છે.
આ અંગે ETV BHARATને દ્વારકા નગરપાલિકના ચીફ ઓફિસર સી.બી. ડુડિયાએ જણાવ્યું કે, દ્વારકા એક જુનું ગામ તળ છે, અને મોટા ભાગની ગલીઓ સાંકળી છે. અકસ્માતના સમયે મંદિર ચોકના અમુક વિસ્તારમાં ફાયરની ગાડી જઈ શકે તેવી શક્યતા નહીંવત છે. આ માટે ભવિષ્યમાં દ્વારકા નગરપાલિકા દ્વારા ટ્રાફિક કે ફાયર અથવા એમ્બ્યુલન્સને અવરોધ થાય તેવા દબાણો દૂર કરવામાં આવશે. જો કોઈ કાયદેસરના પાકા બાંધકામો હશે તેને કાયદાકીય પ્રક્રિયા કરી ઉચ્ચ કક્ષાએ જાણ કરીને તેને દૂર કરવામાં આવશે.