- ભારતની જળસીમામાં આવીને પાકિસ્તાન સિક્યુરિટી એજન્સી 20 માછીમારોને ઉપાડી ગઈ
- 24 કલાક વીતી ગયાં પણ ઓખાથી લઈ ગાંધીનગર ફિશરીઝ ડિપાર્ટમેન્ટને ખબર નથી
- જિલ્લાના કેટલા માછીમાર પાકિસ્તાની જેલોમાં સડે છે તેની કોઇ માહિતી નથી
દેવભૂમિ દ્વારકાઃ આઝાદીના સમય બાદ ભારત પાકિસ્તાનના ભાગલાને આજે 70 વર્ષ પછી પણ વધુનો સમય થયો હોવા છતાં ભારત પાકિસ્તાન જમીન વિવાદને કારણે અનેક નિર્દોષ લોકો હેરાનગતિ અનુભવે છે. આવું જ કંઈક ગુજરાતના 1600 કિ.મી લાંબા દરિયાકિનારા ઉપર માછીમારી કરતાં માછીમારોને પણ અસહ્ય વેદના વેઠવી પડે છે.
- માછીમારોએ પોતાની વ્યથા રજૂ કરી
ઓખા બંદર ઉપર રહેતાં હાજી લતીફ ભાઈ વર્ષોથી માછીમારી ધંધા સાથે સંકળાયેલા છે. લતીફભાઈ અને તેનો પરિવાર પોતાની માછીમારી બોટ સાથે અરબી સમુદ્રમાં માછીમારી કરવા જાય છે. ભારતીય જળ સીમામાં રહીને લતીફભાઈ માછીમારી કરે છે તેવું ETVBharat સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું. ગત તારીખ 6 ડિસેમ્બર 2020ના વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ લતીફભાઈનો પુત્ર હુસેન લતીફ પલાણી પોતાની બે બોટો હુસેની 3 અને અલ વસીલા સાબિન જેમાં હુસેની 3માં કુલ 9 માછીમારો અને અલ વસીલા સાબિનમાં કુલ 11 માછીમારો માછીમારી કરતાં હતાં, ત્યારે પાકિસ્તાનની સિક્યુરિટી એજન્સી અપહરણ કરી ગઈ હોવાનું માછીમારો દ્વારા લતીફભાઈને જાણવા મળ્યું હતું. પરંતુ આ અંગે લતીફભાઈએ ઓખા ફિશરીસ ખાતે તપાસ કરતાં તેમની પાસે હજુ સુધી કોઈ માહિતી આપી નથી તેમ જણાવ્યું હતું.
- પાક. મરીન ભારત સરકારને કરે છે જાણ...
હકીકતમાં જ્યારે પાકિસ્તાન સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય માછીમારોનાં અપહરણ કરવામાં આવે છે ત્યારે પાકિસ્તાની સરકાર દ્વારા ભારત સરકારને જાણ કરવામાં આવતી હોય છે. પરંતુ આ બંને બોટોની માહિતી 24 કલાક ઉપરનો સમય થયો હોવા છતાં પણ ભારત કે ગુજરાત સરકારે માહિતી જાહેર ન કરતાં બોટ માલિક લતીફભાઈ ખૂબ ચિંતામાં મૂકાયાં હતાં.