દ્વારકા તાલુકાના મીઠાપુર ટાટા કેમિકલ્સના સોલ્ટ વર્કના મજૂરોએ પોતાને ઓછું વેતન મળે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે એટલે કે, ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
દ્વારકા તાલુકાના ચરકલા અને ગુરગઢ ગામ પાસે ટાટા કેમિકલ્સના કાચા માલનું વિશાલ સોલ્ટ વર્ક્સ આવેલો છે. જ્યાં દરિયાના ખારા પાણીમાંથી મીઠું પકવવાની કામગીરી કરવામાં આવે છે. આ સોલ્ટવર્ક્સ વર્ષોથી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામગીરી કરે છે. આ મજૂરો દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી છે કે, અહીં ટાટા કેમિકલ્સ કોન્ટ્રાક્ટ પદ્ધતિ તેમજ કાયમી પદ્ધતિ બંનેની કામગીરી કરવામાં આવે છે.
ટાટા કેમિકલ્સ આ કાયમી કર્મચારી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિના કર્મચારીઓ એક સરખું જ કામ કરે છે, તેમ છતાં કાયમી કર્મચારીઓ કરતા કોન્ટ્રાક્ટરને ખૂબ જ ઓછો પગાર આપવામાં આવે છે .જેથી એક સમાન કામગીરી અને એક સમાન વેતન મળે તેવી માગ કરી છે. નજીકના આ સોલ્ટ વર્કમા અંદાજે 60 જેટલા મજુરો કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં કામ કરે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, કોન્ટ્રાક્ટ પદ્ધતિના કર્મચારીઓનો પગાર અંદાજે માસિક સાતથી આઠ હજાર છે. જ્યારે ટાટા કેમિકલ્સના કાયમી કર્મચારીઓને અહીં 28 હજારની આસપાસ પગાર આપવામાં આવે છે. તેમજ અન્ય સુવિધાઓ તો ખરી જ. એક જ કામગીરી કરવા છતાં કાયમી અને કોન્ટ્રાક્ટરના માણસોને પગારમાં ભેદભાવને કારણે મજૂરોમાં રોષ જોવા મળી રહ્યો છે. માટે આવતા દિવસોમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે મજુરોએ ઉગ્ર માંગ કરી છે.
ભવિષ્યમાં મીઠાપુરની ટાટા કેમિકલ્સના સોલ્ટ વર્કસના કોન્ટ્રાક્ટરના મજૂરોની માંગણી નહીં સ્વીકારાય તો ભૂખ હડતાલ તેમજ આંદોલન કરવા કરવાની ચીમકી ઉચ્ચારી છે.