- સૌરાષ્ટ્ર મેલને સરકારી ગાઈડ લાઈન મુજબ શરૂ કરાઈ
- કોરોના મહામારીના કારણે બંધ હતી ટ્રેન
- સોશિયલ ડિસ્ટન્સના નિયમ સાથે પ્રવાસીઓને અપાઈ કડક સુચના
દેવભૂમિ દ્વારકાઃ કોરોના મહામારીના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનમાં રેલવેને બંધ કરવામાં આવી હતી. જો કે, અનલોકમાં ધીમે ધીમે રેલવે તંત્ર દ્વારા મોટાભાગની ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે શનિવારે રેલવે તંત્રએ ઓખા-સૌરાષ્ટ્ર મેલને ઓખા અને દ્વારકાથી સરકારી ગાઇડલાઇન મુજબ શરૂ કરી હતી.
જાણો શું છે ટ્રેનનો રૂટ
આ ટ્રેન બપોરે 1:30 વાગ્યે દ્વારકાથી નીકળી જામનગર, રાજકોટ, અમદાવાદ થઈને બીજા દિવસે વહેલી સવારે 6 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે અને તે જ દિવસે સાંજે 8:30 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઓખા તરફ આવવા રવાના થશે.
ઓખા-મુંબઈ વચ્ચે ચાલતી સૌરાષ્ટ્ર મેલમાં ફર્સ્ટ AC, સેકન્ડ AC, થર્ડ AC, સ્લીપર ક્લાસ અને જનરલ કોચ જોડવામાં આવ્યાં હતા અને તમામ સીટને રિઝર્વેશન કોટા દ્વારા પેસેન્જરોને એલોટ કરવામાં આવ્યા હતા. સરકારી ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ સાથે પ્રવાસીઓને યાત્રા કરવાની કડક સૂચના આપવામાં આવી હતી.
સોરાષ્ટ્ર મેલ 7 મહિના બાદ શરૂ થતા પ્રવાસીઓમાં ખુશી
કોરોના મહામારીના સમયમાં 7 મહિનાના લાંબા સમયગાળા બાદ સૌરાષ્ટ્ર મેલની શરૂઆત કરવામાં આવતા દ્વારકા આવતા જતા પ્રવાસીઓ અને દ્વારકાના વેપારીઓમાં દ્વારા આનંદ વ્યક્ત કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી યાત્રિકો નહી આવવાને કારણે યાત્રાધામ દ્વારકાના ધંધા-રોજગાર ઠપ થઈ ગયા હોવાથી વેપારીઓમાં ચિંતાનો માહોલ હતો. પરંતુ સૌરાષ્ટ્ર મેલની શરૂઆત થતા વેપાર-ધંધામાં સારા ચાલશે તેવું વેપારીઓનું માનવું છે. સૌરાષ્ટ્ર મેલ બાદ ઓખા-સોમનાથ ટ્રેનની પણ શરૂઆત કરવામાં આવે તેવું પ્રવાસીઓ અને દ્વારકાના વેપારીઓ ઇચ્છી રહ્યાં છે.