પોતાના જન્મદિને નાયબ મુખ્યપ્રધાને દ્વારકાધીશને ધજા ચઢાવી આશીર્વાદ લીધા હતા, ઉપરાંત તેમણે પૂજા-અર્ચના કરી શોભાયાત્રા કાઢી હતી. બાદમાં તેમણે દ્વારકા ખાતે નવનિર્મિત અતિથિગૃહને ખુલ્લું મુક્યુ હતુ. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતુ કે દિલ્હીમાં નર્મલા સીતારમનને પીવાના પાણી અને સિંચાઈના પાણી મુદ્દે ચર્ચા કરી છે. ઉપરાંત ગુજરાતને વધુ ગ્રાન્ટ આપવાની માંગણી કરી હતી. આશાવર્કર માટે માનદ વેતન વધારવા અને પાકા રસ્તાઓને પહોળા કરવા સહિતની ચર્ચા કરી હતી. રાજ્યમાં દારૂબંધીના કારણે ગુજરાતને એક્સાઈઝ તથા વેંટની 10થી 20 હજાર કરોડ જેટલી રકમની ખોટ જતી હોવાથી કલ્યાણકારી રાજ્ય તરીકે ગુજરાતને ગ્રાન્ટ થકી આ ખોટની ભરપાઈ કરી આપવાની માંગ કરી છે. મગફળી કૌભાંડના પ્રશ્નનો જવાબ આપવાનું નાયબ મુખ્યપ્રધાને ટાળ્યું હતુ.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસથી દેવભૂમિ દ્વારકા જિલ્લાને ૭૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર સીગ્નેચરબ્રિજની સુવિધા પ્રાપ્ત થશે. વહેલી તકે આ કામ થાય તેવા પ્રવાસો કરવામાં આવી રહ્યા છે. જેથી લાખો યાત્રાળુઓને આ સુવિધાનો લાભ મળશે. સાંસદ પુનમ માડમની ખંભાળીયા ખાતે પણ દ્વારકા જેવું સર્કિટ હાઉસ બનાવવાની રજુઆત ધ્યાને લઇ નાયબ મુખ્યપ્રધાને જિલ્લા મથક ખંભાળીયા ખાતે પણ ભવ્ય આરામગૃહ બનાવવાની ગ્રાન્ટનો નવા બજેટમાં સમાવેશ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. દેવભૂમિ દ્વારકાના પ્રભારીમંત્રી તથા રાજ્ય પ્રવાસન અને મત્યઉદ્યોગ પ્રધાન જવાહરભાઇ ચાવડા, સાંસદ પુનમબેન માડમ તથા પબુભા માણેકે નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઇ પટેલને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી સરકાર તરફથી દ્વારકાને સર્કિટ હાઉસની ભેટ આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે ૫.૩૧ કરોડના તૈયાર થયેલ આ આરામગૃહનો વિસ્તાર ગ્રાઉન્ડ ફલોર, ફસ્ટ ફલોર અને સ્ટેર કેબિન સહિત ૨૧૬૧.૫૦ ચો.મી. છે. જેમાં વી.વી.આઇ.પી. સ્યુટ-૪, વી.આઇ.પી. સ્યુટ-૪, વી.આઇ.પી. રૂમ ૧૦, કોન્ફરન્સ રૂમ, ડાઇનીંગ રૂમ, વેઇટીંગ રૂમ, ફાઇર ફાઇટીંગ સીસ્ટમ, લીફટ તથા વિશાળ પાર્કીંગની સુવિધા તેમજ ભુકંપ પ્રતિરોધક આર.સી.સી. ફેમ સ્ટ્રકચર બિલ્ડીંગ છે.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજા, દ્વારાક તા.પં. પ્રમુખ લુણાભા, નગરપાલિકા પ્રમુખ જીતુભા, ઓખા નગરપાલીકા પ્રમુખ ચેનતભા માણેક, ભાજપ અગ્રણી સર્વ મોહનભાઇ બારાઇ, પરેશભાઇ ઝાખરીયા, પાલભાઇ કરમુર, હિતેશભાઇ પીંડારીયા, રમેશભાઇ હેરમા, હરિભાઇ આધુનિક, માર્ગ અને મકાનના સચિવ વસાવા, કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી મનીષકુમાર બંસલ, માર્ગ મકાન કાર્યપાલક ઇજનેર ઓજા, એ.એસ.પી. સુંબે, માર્ગ અને મકાન વિભાગના ચાવડા, પટેલ, પટેલીયા સહિત અધિકારીઓ અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.