ભારત દેશ માટે લોહીની બાજી લગાવનારા સૈનિકો અને તેમની દેશ પ્રત્યેની ભાવના જગ જાહેર છે. દેશ માટે બલિદાન આપનારા શહીદો માટે દેશની જનતા અપાર સન્માન આપતી હોય છે. પરંતુ વિકાસની વાતો કરતા ગુજરાતમા ફૌજી પરિવાર સાથે જે થયુ તે સાંભળીને ચોક્કસ તમારી આખોમા આંસુ આવી જશે.
ગુજરાતમાં દ્વારકાના જામકલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના શહીદ મોહનભાઈ મથરભાઈ ડાભીનો પરિવાર રહે છે. શહીદ મોહનભાઈ ડાભી જમ્મુ કશ્મીરના ડોડા ડિસ્ટ્રીક વિસ્તાર 17 આર .આરમાં ગયા જ્યા તેઓ 12-4-2002ના રોજ દેશ માટે શહીદ થયા હતા.
2002માં જમ્મુ કાશ્મીરમા શહીદ થયેલા મોહનભાઈ ડાભીના પરિવારને સરકાર દ્વારા 37 વીઘા જમીન નંદાણા ગામે આપવામા આવી હતી. શહીદ પરિવારનાં માટે આપવામા આવેલી જમીન પાસે દ્વારકા જિલ્લાની બોક્સાઇટની દિગ્ગજ કંપનીની લીઝ આવેલી છે. છેલ્લા કેટલાય સમય આ શહીદ પરિવારની જમીન નજીક ખૂબ મોટા પ્રમાણમા ખનીજની હેરફેર થાય છે. ખનીજ માફિયાઓ દ્વારા તેમની જમીન પાસે ગેરકાયદેસર ખનન અને જમીન પણ હડપ કરી લેવાના આશયથી પરિવારને વાંરવાર પરેશાન કરવામાં આવે છે.
આ બાબતે પરિવાર દ્વારા તંત્રને લેખિત ફરિયાદ કરાતા ખનીજ માફિયાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામા આવ્યો હતો. જેના અનુસંધાને જામકલ્યાણપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા ગયેલા રણમલભાઈ ડાભીને પોલીસ સ્ટેશનનાં કર્મચારીએ ખુબ ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપતા પરિવાર પર આભ ફાટ્યું હતું. પરિવારનાં જણાવ્યા અનુસાર એક પોલીસ કર્મચારીએ એવુ જણાવ્યુ કે, શહીદ તમારા પરિવાર માટે થયો છે અમારા માટે નહી. આવા આઘાતજનક શબ્દો ફૌજી આર્મી પરિવાર માટે કાઢવામાં આવશે તેવી કલ્પના ફૌજી પરિવારનાં લોકોને પણ નહોતી.
આ અંગે સ્થાનિક તંત્રને જાણ હોવા છતાં આંખ આડા કાન કરતુું હતું. તેમજ ઉચ્ચ ક્ક્ષાએ રજૂઆતો કરવા છતા કોઈ પગલા લેવામાં ન આવતા આખરે પરિવારે સમાચાર માધ્યમો દ્વારા ઘટના બહાર પાડતા તંત્રને રેલો આવ્યો હતો.
આ અંગે દ્વારકાના માજી સૈનિક રામસિંગભા માણેક જોડે ઈ.ટી.વી. ભારતની ટીમે મુલાકાત કરતા તેમણે જણાવ્યું કે, આ એક અતિ દુઃખ દાયક અને શરમ જનક ઘટના કહેવાય. કારણે કે, એક તો ગુજરાતના યુવાનો ભારતીય ફોજમાં જતા નથી અને જો આવી ઘટના ઘટે તો કોઈ પરિવાર તેના પુત્ર કે પુત્રીને ફોજમાં મોકલશે નહી. તેમજ વધુમાં જણાવ્યું કે, દ્વારકા માજી સૈનિક મંડળ પણ હરકતમાં આવીને આ અંગે તંત્રે ઉચ્ચ કક્ષા રજૂઆતો કરી છે અને ભવિષ્યમાં પણ શહિદ મોહનભાઈના પરિવાર સાથે ઉભો રહી તમામ પ્રકારની મદદ કરશે. આ સમગ્ર ઘટના અંગે કલ્યાણપુર પોલીસને પૂછાતા કોઈ ઉત્તર મળ્યો નહોતો.