ખંભાળિયા: દેવભૂમિ દ્વારકાની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાને અમિત શાહે દરિયાઈ સરહદોની સુરક્ષામાં વધારો કરતી ઓખા ખાતે રાષ્ટ્રીય તટીય પોલીસ અકાદમીનુ ભૂમિપૂજન કર્યું હતું. દરિયાઈ સુરક્ષામાં સેવારત જવાનોને તાલીમ આપવા માટેની આ એક મહત્વની રાષ્ટ્રીય પ્રશિક્ષણ સંસ્થા બનશે. ઓખા નજીક મોજપ ખાતે બીએસએફ આયોજિત આ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાને કચ્છ જિલ્લાના જખૌ તટ પર આવેલી બીએસએફની 5 કોસ્ટલ આઉટપોસ્ટ, સરક્રીક વિસ્તારમાં લખપતવારી ખાતેના એક ઓપી ટાવરનું ઈ-ઉદઘાટન પણ કર્યું હતું.
ડ્રગ્સને લઈને નિવેદન: દેશની સીમાઓ વધુ સુરક્ષિત અને સચેત બની હોવાનું ઉદાહરણ આપતા અમિત શાહે જણાવ્યું હતું કે હાલમાં જ કેરળમાંથી 12 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ ઉપરાંત છેલ્લા થોડા સમયમાં જેટલું ડ્રગ્સ પકડાયું છે તેટલું અગાઉની સરકારમાં ક્યારેય પણ ડ્રગ્સ પકડાયું નથી. તેમજ ભૂતકાળ કરતાં અત્યારે દેશની દરિયાઈ સીમા વધુ મજબૂત બની છે તેમ પણ જણાવ્યું હતું.
'પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીથી રાષ્ટ્રીય કક્ષાનું સીમા સુરક્ષા પ્રશિક્ષણનું કેન્દ્ર ઓખા ખાતે બનવા જઈ રહ્યું છે. જેનાથી સાતત્ય પૂર્ણ તટીય સુરક્ષાના પાઠ જવાનો એક છત્ર નીચે ભણશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં દેશની સીમાઓ વધુ સુરક્ષિત અને દેશ વધુ મજબૂત બન્યો છે જેના પરિણામે દેશના વિકાસમાં હરણફાળ જોવા મળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિશેષ રૂપે ‘તટિય સુરક્ષા નીતિ' અંતર્ગત તટ રક્ષક દળ, નૌસેના, કોસ્ટ ગાર્ડ અને મછવારાના સહિયારા પ્રયત્નોથી દેશની દરિયાઈ સીમાને વધુ શુદ્રઢ રીતે સુરક્ષિત બનાવવાનો પ્લાન કરાયો.' -અમિત શાહ, કેન્દ્રીય ગૃહપ્રધાન
દરિયાઈ સીમાઓ વધુને વધુ મજબૂત બનશે: બીએસએફના જવાનોની સીમાઓને સુરક્ષિત રાખવાના અભિગમની સરાહના કરી આ એકેડમીના સ્થાપનાની પ્રક્રિયામાં સહભાગી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી નજીક તેઓના હસ્તે રાષ્ટ્રીય એકેડેમીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું તે અંગે તેઓએ આનંદની લાગણી પણ વ્યક્ત કરી હતી. દ્વારકા અને ઓખા વચ્ચે રાષ્ટ્રીય કક્ષાની તટ રક્ષકીય પોલીસ એકેડેમી થવા જઈ રહી હોય અહીં પ્રતિ વર્ષ 3000 જેટલા જવાનોને ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે ત્યારે આવનારા સમયમાં દરિયાઈ સીમાઓ વધુને વધુ મજબૂત બનશે તેમ ગૃહ પ્રધાને વિશ્વાસ દર્શાવ્યો હતો.