દેવભૂમિ દ્વારકા: કોરોના મહામારીને કારણે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં માર્ચ મહિનાથી રેલવે સેવા બંધ કરવામાં આવી હતી. જે આજે યાત્રાધામ દ્વારકાથી શરૂ કરવામાં આવતા દ્વારકાના લોકોમાં આનંદની લાગણી છવાઇ ગઇ હતી. જેમાં આજે વહેલી સવારે 8:30 ઓખા અને 9 કલાકે દ્વારકાથી ઉપડતી જગન્નાથપુરી સ્પેશિયલ ટ્રેન સેવા રેલવે તંત્ર દ્વારા રવાના કરવામાં આવી હતી.
જ્યારે ટ્રેનમાં યાત્રા કરતાં યાત્રાળુઓના સામાનને સેનેટાઇઝર કર્યા બાદ જ સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ યાત્રાળુઓનું સ્ક્રિનિંગ બાદ જ રેલવે કોચમાં બેસવા દેવામાં આવ્યા હતાં. ઓખા જગન્નાથપુરી સ્પેશિયલ ટ્રેન દર બુધવારે ઓખાથી ઉપડી દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ થઈને જગન્નાથપુરી પહોંચશે.
આ ટ્રેન કુલ 22 કોચ એક સેકન્ડ એ.સી કોચ, 4 થર્ડ એ.સી. કોચ, 9 સ્લીપર કોચ અને 1 પેન્ટ્રી કોચ સાથે ઊપડી હતી. તેમજ દ્વારકાથી અંદાજે 30 જેટલા યાત્રાળુઓ જગન્નાથપુરી ટ્રેનમાં બેસી આનંદ અનુભવતા હતાં.