દેવભૂમિ દ્વારકાઃ શુક્રવારના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા SOGની ટીમને બાતમી મળતા દ્વારકા તાલુકાના મોજપ ગામે બે શખ્સો પાસેથી 6 કિલો 732 ગ્રામ વજનનું જેના રૂપિયા 10,09,800ની કિંમતનું ચરસ સાથે પકડી પાડયા હતા. SOGની ટીમની પૂછતાછ દરમિયાન અન્ય એક શખ્સ પણ આ ગુનામાં સંડોવાયેલો છે, તેવું આરોપીએ કબૂલ્યું છે.
દ્વારકા તાલુકાના મોજપ ગામના આશાર્યાભા હાથલ તેમજ દ્વારકાના રૂપેણ બંદરના અબ્બાસ ભીખન નામના શખ્સ પાસેથી ચરસનો જથ્થો મળતા જિલ્લાભરની ટીમો દ્વારકા દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. બન્ને શખ્સોને વધુ પુછતાછ પહેલા મેડિકલ અને કોરોના ચેકઅપ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. કોરોના રીપોર્ટ આવ્યા બાદ બંને આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવામાં આવશે.
મોટી માત્રામાં ચરસનો જથ્થો મજૂરી કરતા સામાન્ય માણસના પાસે કેવી રીતે આવ્યો ? કોની પાસેથી ખરીદ્યો? અને કોને વેચવાનો હતો ? તેની સંપૂર્ણ વિગત આવનારા સમયમાં બહાર આવશે.
બંને આરોપીઓને SOG દ્વારા મીઠાપુર પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યા હતા. તેમજ બંને આરોપીઓ ઉપર એન.ડી.પી.એસ કલમ 8(સી) અને 20(બી)મી મુજબ નાર્કોટિક્સનો ગુનો દાખલ કરી વધુ તપાસ આગળ વધારવામાં આવી હતી. આવનાર દિવસોમાં આ ગુનામાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે બહાર આવી શકે તેમ છે.