વર્ષ 1955થી શરૂ થયેલા આ કાર્તિકી પૂર્ણિમા મેળાનું માત્ર સૌરાષ્ટ્રમાં નહીં, પરંતુ આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. કાર્તિક માસની પૂર્ણિમાએ યોજાતા આ મેળા સાથે જોડાયેલ ધાર્મિક અને ખગોળીય ઘટના છે. સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના પુરાણોના પ્રમાણે ચંદ્રમાએ કરી હતી. પ્રભાસ ક્ષેત્રમાં શિવજીએ દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી ચંદ્રમાને આંશિક મુક્તિ આપી અને ચંદ્રને પોતાનું તેજ પાછું આપ્યું હતું.
પ્રતિ વર્ષ ચંદ્રમા કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ 12 વાગ્યે સોમનાથની ધ્વજા અને શિવલિંગની સીધી હરોળમાં આવી અને પોતાના પ્રકાશથી જાણે અમૃત વર્ષા કરે છે. મહાદેવના ભક્તો આ અદભુત ધાર્મિક તેમજ ખગોળીય સંયોગને જોવા દૂર દૂરથી સોમનાથ આવે છે, અને આ આહ્લાદક નજારો જોઈ ધન્યતા અનુભવે છે.
વર્ષ 1955માં ટ્રસ્ટી કનૈયાલાલ મુનશીએ કાર્તિકી પૂર્ણિમાએ યોજાતા મેળાની શરૂઆત કરી ત્યારે તેઓએ ધાર્મિક સાથે આર્થિક પાસાઓ પર પણ વિચાર કર્યો હતો. આ મેળામાં વિવિધ પ્રકારના ચગડોળ, ખાણીપીણીના સ્ટોલ, તેમજ હસ્તકલાની પ્રદર્શનીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમયાંતરે આ મેળો પ્રત્યક્ષ કે, પરોક્ષ રીતે 5000થી વધુ લોકોને રોજગાર આપતો પાંચ દિવસીય ઉત્સવ બની ગયો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 1 દશકથી મેળાનું કદ ઉત્તરોતર વધતું જઇ રહ્યું છે. મેળામાં આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો દર્શને આવે છે. અંદાજે 7થી 9 લાખ જેટલા લોકો મેળાને માણે છે.