આ સમગ્ર હકીકતની જાણ જ્યારે રૂડીબેન બેંકમાં પૈસા ઉપાડવા માટે ગયા ત્યારે થઈ હતી. તેઓના પતિ નાયાભાઈ ચાનપાએ બેંકમાં પતિ-પત્નીના જોઈન્ટ એકાઉન્ટમાંથી પોતાની પત્નીનું નામ કમી કરાવવા માટે ખોટુ ડેથ સર્ટીફિકેટ રજૂ કર્યું હતું.
આ અંગે નાયાભાઈ ચાનપા પાસે ડેથ સર્ટીફિકેટ ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, કેવી રીતે આવ્યું તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. આ સર્ટીફિકેટ દ્વારકા નગર પાલિકાની કચેરીમાંથી કાઢવામાં આવતું હોય છે. જેમાં દાખલા સાથે મરણ નોંધ સહિતની કામગીરી પ્રાથમિક તબક્કે કરવામાં આવતી હોય છે. ત્યારે આ મરણના દાખલાને લઈને દ્વારકા નગરપાલિકા પણ હરકતમાં આવીને તપાસ કરી રહી છે. ત્યારે હાલ તો આ મામલાની જાણ રૂડીબેનને થતા તેમણે આ મામલે પોતાના પતિ વિરૂદ્ધ દ્વારકાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ પણ આ મામલે બેંક અને નગરપાલિકાના કર્મચારીઓની પૂછપરછ કરીને સત્ય જાણવા પ્રયાસ કરી રહી છે.
આ મામલે પ્રાથમિક તારણમાં નગરપાલિકા દ્વારા જે ડેથ સર્ટીફિકેટ તારીખ રજૂ કરવામાં આવી છે, તે નગરપાલિકાના રેકોર્ડ પર નથી. આ સમગ્ર મામલો પતિ નાયાભાઈ ચાનપા પર આવીને ઊભો રહે છે. તેણે આ સર્ટીફિકેટ ક્યાંથી બનાવ્યું અને કોણે આ મામલે મદદ કરી છે. ત્યારે આ પતિએ ખૂબ બુદ્ધિપૂર્વક મરણનાં દાખલાને આધારે બેંકમાં નામ કમી કરવા તખ્તો ઘડી કાઢ્યો હતો. આ મામલા અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.