દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના 14 ગામના અંદાજિત 200થી વધુ ખેડૂતો દ્વારા આજે જીલ્લા કલેકટરને રેલી સ્વરુપે આવી આવેદન પત્ર આપ્યુ હતુ. દ્વારકા જામનગર હાઇવેને ચાર માર્ગીય હાઇવેના પ્રોજેક્ટનો વિરોધ કરતા ખેડુતોએ જણાવ્યુ કે, હાઇવેના કપાતમાં જતા ખેતરોનું યોગ્ય વળતર મળતુ નથી.
એર સ્ટ્રીપ જેવા મહત્વના પ્રોજેક્ટમાં પણ ખેડૂતોને નહિવત્ વળતર મળતા ખેડૂતોનો વિરોધ દર્શાવ્યો હતો. રોડ કપાતમાં જતી જમીનના માલિક ખેડૂતો દ્વારા હાલની પ્રવર્તમાન બજારકિંમત મુજબ યોગ્ય વળતર મળવા બાબતે ખેડૂતોએ વિરોધ કર્યો હતો.
હાલના જમીનના ભાવ કરતા 91% ઓછું વળતર મળતું હોવાનો ખેડૂતોએ સરકાર પર આરોપ લગાવી સુત્રોચાર કર્યા હતા અને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને જણાવ્યુ કે, ટુંક સમયમાં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો, આગામી દિવસોમાં કોર્ટમાં જશે.