- ૭૨ દિવ્યાંગ લાભાર્થીને રૂ.૧૨ લાખની સહાયની રકમની અલગ-અલગ કીટનું વિતરણ
- સકરકાર તરફથી દિવ્યાંગોને મળતી સહાયનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે કરાયો અનુરોધ
- બાળકોને દર મહિને રૂ.૬૦૦ની સહાય સરકાર દ્રારા ચુકવવામાં આવે છે
દેવભૂમિ દ્વારકા: ખંભાળીયા સ્થિત જિલ્લા યોગ કેન્દ્ર ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા બાળ સુરક્ષાને લગતી યોજનાકીય માહિતી અને સમાજ સુરક્ષા ખાતાની યોજનાઓનો લાભ મેળવવાં માટે મંજુર થયેલ દિવ્યાંગોને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
દિવ્યાંગ યુગલને લગ્ન માટે એક લાખ રૂપિયાની સહાય
સમાજ સુરક્ષા અધિકારી મોરીએ જણાવ્યુંહતું કે, કોઇપણ કેટેગરીમાં ૮૦ ટકા દિવ્યાંગ હોય અને બીપીએલમાં સમાવેશ થતો હોય, તેવા બાળકોને દર મહિને રૂ.૬૦૦ની સહાય સરકાર દ્રારા ચુકવવામાં આવે છે. પાલક માતા-પિતાને બાળકનાં ખર્ચ માટે દર મહિને રૂ.૩૦૦૦ આપવામાં આવે છે. વિધવા બેન હોય તો તેના સંતાનોને સમાજ સુરક્ષા ખાતાની હોસ્ટેલમાં વિના મૂલ્યે ભણાવી શકે છે. આ ઉપરાંત દિવ્યાંગો માટે એક નવી યોજના આવી છે. જેમાં દિવ્યાંગ યુગલને લગ્નમાં એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
72 લાભાર્થીઓને 12 લાખની સહાયનું વિતરણ કરાયું
દિવ્યાંગ સાધન સહાય કેમ્પમાં ૭૨ દિવ્યાંગ લાભાર્થીઓને તેમની દિવ્યાંગતાના આધારે તેની જરૂરિયાત પ્રમાણેનાં રોજગારલક્ષી રૂ.૧૨ લાખની સહાયના સાધનોનુ તેમજ ૨૦ યુ.ડી.આઇ.ડી. કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સાધન સહાયમાં ત્રાયસિકલ, સિલાઇ મશીન,એમ.આર.કીટ,, સાયકલ વગેરે સાધનોનુ ઉપસ્થિત મહાનુભવો દ્રારા વિતરણ કરવામાં આવ્યુ હતુ.
દિવ્યાંગોને પણ સામાન્ય માણસોની જેમ જીવવાનો હક: કલેક્ટર
ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજીત બાળ સુરક્ષા યોજનાઓનો તેમજ સમાજ સુરક્ષા ખાતાની તમામ યોજનાઓેનો લાભ વધુમાં વધુ દિવ્યાંગોને લેવા માટે કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મીનાએ અનુરોધ કર્યો હતો. દિવ્યાંગો પોતાની લાઇફ નોર્મલ માણસોની જેમ જીવી શકે તે માટે સરકાર તરફથી દિવ્યાંગોને મળતી સહાયના સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરવા અને દિવ્યાંગોને વધુ જાગૃત બનવા માટે અપીલ કરી હતી.