દેવભૂમી દ્વારકાઃ ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં વિડીયો અને ફોટોગ્રાફી કરતા અંદાજે બેથી અઢી હજાર ફોટોગ્રાફર પોતાનું પરિવારનું ગુજરાન માત્ર ફોટોગ્રાફી પર કરે છે. પરંતુ હાલમાં ચાલતા કોરોના લોકડાઉનને કારણે સરકાર દ્વારા બેથી ત્રણ માસ દરમિયાન તમામ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર નિયમો પ્રમાણે રોક લગાવવામાં આવી છે .
સામાન્ય સંખ્યાને કારણે લોકોના ફોટોગ્રાફીના ઓર્ડરો રદ કરવામાં આવતા અને ભવિષ્યમાં આવતા લગ્ન પ્રસંગો પર પણ લોકોએ વધુ ભીડ હોવાથી વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીના ઓર્ડર કેન્સલ કરતા આવા ફોટોગ્રાફરો હાલ બેરોજગાર બન્યા છે. આવતા બે-ત્રણ માસ દરમિયાન પણ રોજગારીને લઈને કોઈ સારા સમાચાર આવે તેવું લાગી રહ્યું નથી.
આથી આજે દ્વારકા તાલુકાના ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સોશિયલ ડિસટન્સ રાખીને દ્વારકા તાલુકાના પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું કે, ખુબજ નાની રોજગારી ધરાવતા આ ફોટોગ્રાફરોને માટે આર્થિક સહાય આપવામાં આવે અથવા સરકારી નિયમોનુસાર ધંધા-રોજગારમાં કોઇ રાહત આપવામાં આવે, કારણ કે મોટા ભાગના ફોટોગ્રાફરો પાસે જરૂરી સાધનો હપ્તા અથવા લોન પર લેવામાં આવ્યા હોવાથી આ કરજો ચૂકવવામાં પણ ખુબ જ તકલીફ પડે છે. અને સાથે સાથે પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બનતાં તંત્ર પાસે મદદની આશા રાખી છે.