યાત્રાધામ દ્વારકામાં આવેલા એસ.ટી. બસ સ્ટેન્ડ પર પીવાના પાણીની વ્યવસ્થા દ્વારકા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે, પરંતુ દ્વારકા શહેરમાં જ 8 થી 10 દિવસે પાણી વિતરણ થતું હોવાથી આની અસર દ્વારકા શહેર ઉપરાંત એસ.ટી. સ્ટેન્ડ જેવી સરકારી એજન્સીઓ પર વર્તાય છે. જ્યારે દ્વારકામાં રોજના સેંકડો યાત્રાળુઓ દર્શન કરવા માટે આવે છે. હાલ દ્વારકામાં આવતા યાત્રાળુઓ એસ.ટી. બસ સ્ટેન્ડ પર પીવાના પાણી માટે બહારથી વેચાતું પાણી લેવું પડે છે. જયારે નિયમ મુજબ અહી આવતા યાત્રાળુઓને નિઃશુલ્ક પીવાનું પાણી આપવું પડે છે. હાલ દ્વારકા એસ.ટી. સ્ટેન્ડ પર કેટલાય દિવસોથી પીવાનું પાણી નથી. સરકાર દ્વારા ઠંડા પાણીનું વોટર કુલર પણ મુકવામાં આવ્યું છે, પરંતુ તેમાં નળ જ ગાયબ નજરે પડે છે. આ અંગે દ્વારકા એસ.ટી. બસ સ્ટેન્ડના મેનેજરને પૂછતા તેમણે જણાવ્યું કે દ્વારકા એસ.ટી. પર દ્વારકા નગરપાલિકા દ્વારા પાણી વિતરણ 8 થી 10 દિવસે કરવામાં આવે છે. તેમજ હાલમાં યાંત્રિક ખામીને કારણે પાણી બંધ છે. જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
યાત્રાધામ દ્વારકાના સ્થાનિક રહેવાસીઓ તેમજ રોજના હજારોની સંખ્યામાં આવતા યાત્રાળુની પાણીની સમસ્યા માટે ભવિષ્યના સમયમાં સરકાર દ્વારા નક્કર પગલા ભરે તેવી લોકોએ માંગ ઉઠાવી છે.