દેવરિયા નેશનલ હાઇવે પ્રોજેક્ટમાં નજીવી કિંમતે જમીન સંપાદન સામે કિસાન કોંગ્રેસનો અનોખો વિરોધ
અધિકારીઓનું ધ્યાન દોરવા આવેદનપત્ર આપી વિરોધ નોંધાવી કાયદેસર કાર્યવાહી કરવા માંગ
20 ઇંચ વરસાદ વચ્ચે પણ ખેડૂતોએ એકઠા થઇ અનોખો વિરોધ નોંધાવ્યો
દેવભૂમિ દ્વારકા: કુરંગા-દેવરિયા નેશનલ હાઇવે પ્રોજેક્ટ અને તેમાં જ દાત્રાણાં-જુવાનપુર એર સ્ટ્રીપ પ્રોજક્ટમાં ખેડૂતોની જે જમીન કપાતમાં જાય છે. જેમાં અનેકવિધ ક્ષતિઓ કરવામાં આવી છે, અનેક ક્ષતિઓ સામે ખેડૂતોએ, કિસાન કોંગ્રેસ દ્વારા જે તે સમયે લગતા અધિકારીઓનું ધ્યાન દોરવા લેખિત ફરિયાદો, આવેદનપત્ર આપી વિરોધ નોંધાવી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા આંખ આડા કાન કરી કોઈ કાર્યવાહી કરવાને બદલે જમીન સંપાદનની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. જેમાં રોડ પ્રોજેક્ટના સર્વેની કામગીરીથી લઈ એનું જોઈન્ટ મેજરમેન્ટ કરવામાં એના 3A 3D જવી વિવિધ નોટિસોમાં, ખેડૂતોની જમીનની કિંમત નક્કી કરતા એવોર્ડમાં અનેક ભૂલો કરવામાં આવી છે. સરકારના પોતાના દસ્તાવેજોમાં જ ખેડૂતોના નામ, સર્વે નંબર, ક્ષેત્રફળ સ્થળ સ્થિતિ સાથે ક્યાંય મેચ થતા નથી, એટલું જ નહીં સરકારની જાહેરાત, વિવિધ નોટિસો, જોઈન્ટ મેજરમેન્ટ અને એવોર્ડ પણ સામસામે મેચ થતા નથી. આવી ખરાબ કામગીરીના કારણે જે એવોર્ડ તૈયાર થયા એ પણ ભૂલ ભરેલા તૈયાર કરવામાં આવ્યા. જેના કારણે અધિકારીઓની નબળી કામગીરી, બેદરકારીનો ભોગ ખેડૂતો ભોગ બની રહ્યાં છે.
રેકર્ડ બનાવતી વખતે અસરકારક જંત્રીને ક્યાંય ધ્યાનમાં લેવામાં આવી નથી. તેની જગ્યાએ સરેરાશ જંત્રીને જ માત્ર ધ્યાનમાં લેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જ રોડ પ્રોજેક્ટ જમીન સંપાદન કામગીરીમાં જ અમુક જગ્યાએ અસરકારક જંત્રીને ધ્યાને લેવામાં આવી છે, તો અહીં શા માટે નહીં તેવા સવાલ ખેડૂતોએ ઉઠાવ્યા છે. એવી જ રીતે જ્યારે કોઈ એક ગામની જમીનની કિંમત નક્કી કરતા હોય તેની આસપાસના લાગુ પડતા તમામ ગામોની જંત્રી ધ્યાનમાં લેવાની હોય તેને બદલે માત્ર રોડ ટચ ગામોને જ ધ્યાનમાં લેવામાં આવ્યાં છે.
કેટલાક સંજોગોમાં રોડ ટચ ગામોને પણ ધ્યાનમાં લીધા નથી, દા. ત. ધરમપુરની અસર દાતામાં લાગુ પાડી નથી, સરકાર પોતે જ્યારે જમીનની લે વેચ કરે ત્યારે અનેક ફેક્ટરને ધ્યાનમાં લે છે. જેવા કે સ્થળ, સ્થિતિ, ભવિષ્યનો વિકાસ, લોકેશન પેરામીટર, ગ્રામ્ય માર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, નેશનલ હાઇવે, ખાડા, બાડા, જાડા, નગરપાલિકા વગેરે બાબતોને ધ્યાને લઇ A, B, C, D કેટેગરીમાં વિભાજીત કરી તેનું સોલિસિયમ, વાર્ષિક વ્યાજ ઉમેરવામાં આવે છે, પરંતુ રોડ કપાતમાં જતી જમીન બાબતે આવા કોઈ ફેક્ટરને ધ્યાને લીધા નથી, ખેડૂતોના ખેતરમાં ઉભા પાકની કિંમત જ નક્કી કરવામાં આવી નથી, સરકાર દ્વારા જિલ્લામાં જમીન ખરીદ વેચાણ કરવા DLPC સમિતિ બનાવેલી છે. એ સમિતિ જે જે બાબતો ધ્યાનમાં લે છે એ તમામ બાબતોને અહીં અવગણવામાં આવી છે. એટલું જ નહીં પણ આખેઆખી DLPC સમિતિને જ અવગણવામાં આવી છે.
આમ અનેક ક્ષતિઓ રાખી કરવામાં આવતી રોડ પ્રોજેક્ટ કામગીરીનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. આજે હંજડાપરના પાટીએ ચાલુ વરસાદે ખેડૂતોએ હોર્ડિંગ બોર્ડ મારી એની પૂજાવિધિ કરી કાયદેસર અનાવરણ કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ હોર્ડિંગ બોર્ડમાં સરકારને ચેલેન્જ આપી છે કે, "દ્વારકાથી દિલ્હી સુધી હાઇવે ટચ 34 રૂપિયાના ભાવે જેટલી જમીન આપો, એટલી જમીન અમારે ખેડૂતોએ લેવી છે, સરકાર અમારી ચેલેન્જ સ્વીકારે અથવા તો અમને યોગ્ય વળતર આપે" "ખેડૂતોએ કહ્યું છે કે, અમે મરી જઈશું પણ પાણીના ભાવે અમારી જમીન ક્યારેય નહીં આપીએ" ખેડૂતોએ પરોક્ષ રીતે સરકારને કહ્યું છે કે, આવી પાણીના ભાવે અમારી જમીન શા માટે પડાવી લ્યો છો. આમ ગુરૂવારે 20 ઇંચ વરસાદ વચ્ચે પણ ખેડૂતોએ એકઠા થઇ અનોખો વિરોધ નોંધાવ્યો હતો.