મોરબીમાં શનિવારે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી, મટકી ફોડ કાર્યક્રમ ઉપરાંત કનૈયાને પારણાં ઝુલાવવામાં આવ્યા હતા. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કૃષ્ણ જન્મોત્સવમાં ભાગ લીધો હતો.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો ઉત્સવ, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. 16 કળાઓ જેમાં વિકસેલી છે તે કૃષ્ણના ભક્તો સમગ્ર વિશ્વમાં છે. કૃષ્ણએ દરેક રૂપમાં સમાજને અલગ-અલગ રીતે દર્શન આપ્યાં છે. ભક્તો તેમના દરેક રૂપની પૂજા કરી પ્રસન્નતા અનુભવે છે.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ભાદ્ર મહિનાની કૃષ્ણ પક્ષની આઠમે ઉજવવામાં આવે છે. આ પાવન અવસર પર કનૈયાના સુંદર અવતારની પૂજા કરવામાં આવે છે. જન્માષ્ટમી પર કૃષ્ણભક્ત રાત્રે બાર વાગે વ્રત રાખે છે. આ દિવસે મંદિરોમાં પારણું સજાવાય છે અને કનૈયાને હિંડોળે ઝુલાવાય છે. કેટલીય જગ્યાએ રાસલીલાનું આયોજન પણ કરાય છે.
જે લોકો ભગવાન શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના કરવા માગે છે. તેઓ સવારે વહેલા ઉઠી ઉપવાસનો સંકલ્પ લેતા હોય છે. કૃષ્ણ મંદિર જઈને પૂજા કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના પર્વની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા યાત્રાધામ ડાકોર ખાતે આજે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટશે. આ ભક્તો રણછોડરાયજી ભગવાનના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરશે. વહેલી સવારથી જ ડાકોર મંદિરમાં ભક્તોની કતાર લાગશે. જ્યાં જય રણછોડ, માખણ ચોરના નારાથી મંદિર પરિસર ગૂંજી ઉઠશે. અહીં લાખો કિલો પ્રસાદી અર્પણ કરવામાં આવશે. આજે અહીં મંદિરમાં રાજાધિરાજ રણછોડરાયની યાત્રા નીકળશે. ઉપરાંત તેમને આકર્ષક વસ્ત્રો ધારણ કરાવાશે. બીજી તરફ દ્વારકામાં પણ વહેલી સવારથી કૃષ્ણ ભક્તો લાંબી કતારો કરી બાળ કનૈયાના દર્શન કરવા માટે ઉત્સાહથી રાહ જોઈ રહ્યાં છે.