દેવભૂમિ દ્વારકા: જગત મંદિર દ્વારકા મંદિર પરિસરમાં ભગવાન દ્વારકાધીશની બાળ સ્વરૂપે રથયાત્રા કાઢવામાં આવી હતી. મંગળવારે અષાઢી બીજના પાવન દિવસે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં બેસાડીને દ્વારકાધીશ મંદિર પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશના મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા કરવામાં આવી હતી.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે રથયાત્રા મહોત્સવ દર્શન કરવાની એને નિહાળવાની પ્રવેશ બંધી કરવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિર પૂજારી પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું કે, દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે પરંપરા મુજબ શ્રીજીના બાળ સ્વરૂપને ગર્ભગૃહમાંથી બહાર કાઢીને ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશને બાળ સ્વરૂપે સફેદ ચાંદીના અશ્વો અને ચાંદીના રથમાં બેસાડીને શ્રીજીને મુખ્ય મંદિરની ફરતે ચાર વખત પરિક્રમા કરવામાં આવે છે.
શ્રીજીની દરેક પરિક્રમા બાદ ભોગ અને આરતી પણ કરવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપે ચોથી પરિક્રમા બાદ દ્વારકાધીશના મુખ્ય મંદિરની સામે આવેલા માતા દેવકીના મંદિર પાસે આવેલા સ્તંભ સાથે ભટકાડવામાં આવે છે. એક લોકવાયકા મુજબ શ્રીજીના આ રથને આ સ્તંભ સાથે અથડાવાથી આકાશમાં વાદળો બંધાય છે અને દરેક જગ્યાએ સારો વરસાદ વરસે છે. સારા વરસાદથી સારો પાક થાય છે, અને લોકોના ઘર ધન-ધાન્યથી ભરાઈ જાય છે.
આ વખતે દ્વારકાધીશ મંદિર ગુજરાતી પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશની ચારે પરિક્રમા પૂર્ણ થયા બાદ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરવામાં આવી હતી કે, પૃથ્વી પર આવેલા કોરોના વાઇરસની મહામારી ઝડપથી દૂર થાય અને લોકો સ્વસ્થ થાઈને દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા તરફ દોટ મૂકે.
આ શહેરોમાં મંદિર પરિસરમાં જ યોજાઈ રથયાત્રા
- ભુજ સ્વામિનારાયણ મંદિર
- જૂનાગઢ
- અમદાવાદ
- ભરૂચ- ફુરજા બંદર
- પાટણ
- સુરત
- શામળાજી
- દ્વારકા
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરી રથયાત્રાને શરતી મંજૂરી આપી હતી. જે કારણે જગન્નાથ પુરી સિવાય દેશમાં ક્યાંય રથયાત્રા યોજાઈ નથી. જો કે, વિવિધ શહેરોમાં જગન્નાથ મંદિર પરિષરમાં જ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ દેશની જનતાને રથયાત્રાની શુભકામના પાઠવી હતી.