- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવ્યા કોરોના વેક્સિનના 4700 ડોઝ
- જિલ્લા પંચાયત ખાતે કલેકટરની હાજરીમાં વેક્સિનનું કરાયું સ્વાગત
- પ્રથમ તબકકામાં આ રસી હેલ્થ કેર વર્કર્સને આપવામાં આવશે
દેવભૂમિ દ્વારકાઃ સમગ્ર દેશ જેની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો. એવી સ્વદેશી કોરોના વેક્સિન દેશભરમાં જુદા-જુદા શહેરોમાં પહોંચાડવામાં આવી રહી છે ત્યારે આજે દેવભૂમિ દ્વારકા ખાતે સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની 'કોવિશિલ્ડ' વેક્સિન આવી પહોંચી હતી. કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીના તથા જિલ્લા વિકાસ અધિકારી ડી. જે. જાડેજા દ્વારા સ્વાગત કરાયું હતું. આ તકે આરોગ્ય વિભાગ તથા જિલ્લાના જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેવભૂમિ દ્વારકાના 3800થી વધુ હેલ્થ વર્કર્સને મળશે કોરોનાની રસી
સરકાર દ્વારા તા. 16 જાન્યુઆરીથી સમગ્ર રાજયમાં કોવિડ-19 રસીકરણ અભિયાનનની કામગીરી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ તબકકામાં આ રસી હેલ્થ કેર વર્કર્સને આપવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 34 કોલ્ડ ચેઇન પોઇન્ટ છે, જેની સ્ટોરેજ કેપેસિટી 3350 લિટરની છે. જ્યાં વેક્સિન સ્ટોરેજ માટે ગાઈડલાઈન મુજબની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3800 ઉપરાંતના હેલ્થ કેર વર્કર્સને કોરોના રસી આપવામાં આવશે. 16 જાન્યુઆરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ સ્થળો જેવા કે, જનરલ હોસ્પિટલ ખંભાળિયા, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દ્વારકા તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જામ રાવલ ખાતેથી આ રસીકરણની કામગીરીનું ઉદઘાટનનું આયોજન કર્યું છે.