ડાંગ : જિલ્લાના નવરચિત સુબિર તાલુકાનાં સરપંચ એસોસિએશન દ્વારા સોમવારે સુબિર મામલતદારને શેરડી કાપવા મજૂરી કામ અર્થે ગયેલા લોકોને પરત બોલવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના લગભગ 30 ટકા લોકો બહારગામ મજૂરી કામ અર્થે જતાં હોય છે.
ડાંગના આહવા અને વઘઇ તાલુકાની સરખામણીમાં સુબિર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો, નવસારી, સુરત, નર્મદા, તાપી, બારડોલી, ચલાણી, કામરેજ, મહુવા, સાયણ વગરે જગ્યાએ સુગર ફેકટરીમાં કામ અર્થે જતા હોય છે. અહીંના ગરીબ આદિવાસી લોકો જે ચોમાસાની ખેતી કર્યા બાદ રોજીરોટી મેળવવા માટે 6 મહિના સુધી અન્ય જિલ્લામાં સ્થળાંતર કરતાં હોય છે.
હાલમાં ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાઈરસ અસરગ્રસ્ત કેસની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અન્ય જિલ્લામાં ગયેલા લોકોને પાછા બોલવા માટે સુબિર તાલુકાનાં સરપંચોએ સાથે મળી મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.
કોરોના વાઈરસનાં રોગની મહામારી જોતાં સુબિર તાલુકાના સરપંચ એસોસિએશન અને મજૂર અધિકારી મંચ સંગઠન દ્વારા સુબિર સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખાંબલા, કાકશાળા, સુબિર, અને કડમાળ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ડાંગ જિલ્લામાં એકપણ કોરોનાનો શંકાસ્પદ વ્યક્તિ નોંધાયો નથી.