જિલ્લા કલેકટર એન.કે. ડામોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં અધિકારીઓને માર્ગદર્શન આપતા ડામોરે જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ હેઠળ જિલ્લાના દરેક વિભાગો દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમો થકી મહિલાઓમાં જાગૃતિ આવે તે મુજબ કામગીરી કરવાની રહેશે. મહિલાઓ વિવિધ ક્ષેત્રે આગળ વધે તે માટે પરિસંવાદ થાય મહિલાઓ સ્વાવલંબી બને, સારૂ શિક્ષણ મેળવે તેમજ મહિલાઓનું શોષણ ન થાય અને સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવે તેવા પ્રયાસો હાથ ધરવાના રહેશે.
જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે સરકારશ્રીની તમામ યોજનાઓ છેવાડાના ગામો સુધી પહોંચે તે માટે દરેક કાર્યક્રમ સુચારૂ રીતે પાર પાડી સબંધિત અધિકારીઓએ સમયસર ઓનલાઈન એન્ટ્રી પૂર્ણ કરવાની રહેશે. નિવાસી નાયબ કલેકટર ટી.કે. ડામોરે મહિલા સરક્તિકરણ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં તા.૧/૮/૧૯ થી તા.૧૪/૮/૨૦૧૯ દરમિયાન મહિલાઓના કલ્યાણ માટે દરરોજ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ ક્રમશઃ મહિલા સુરક્ષા,બેટી બચાવો,મહિલા સ્વાવલંબી,મહિલા પરિસંવાદ, મહિલા,આરોગ્ય,મહિલા કૃષિ દિવસ, મહિલા શિક્ષણ, મહિલા સ્વચ્છતા જાગૃતિ, મહિલા કલ્યાણ, મહિલા બાળ પોષણ, મહિલા કર્મયોગી અધિકારો જાગૃતિ, મહિલા કાનુની જાગૃતિ, શ્રમજીવી મહિલા દિવસ અને મહિલા શારિરીક સૌષ્ઠવ દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.આર.અસારી,નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.કવા, પ્રાંત અધિકારી કાજલ ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.ડી.પટેલ, મામલતદારઓ,તાલુકા વિકાસ અધિકારી સર્વેઓ, નોડલ અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મેધા મહેતા,દહેજ પ્રતિબંધક અધિકારી સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.