ડાંગઃ જિલ્લાની ગોલ્ડન ગર્લ તરીકે પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ખેલાડી સરિતા ગાયકવાડને કુવાએ પાણી લેવા જવું પડે છે. જે અંગે મીડિયામાં અહેવાલો આવ્યા બાદ તાત્કાલિક ધોરણે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સગવડો અપાવવા અને ખૂટતી કડીનું કામ કરવા માટેની પ્રતિબધ્ધતા દાખવી હતી.
સરિતા ગાયકવાડને પાણીની મુશ્કેલીઓ અંગે ડાંગ જિલ્લા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર ડી.બી.પટેલે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડનું કરાડીઆંબા ગામ મહારદર જૂથ પાણી પુરવઠામાં સમાવિષ્ટ છે. જેમાંથી સરિતાના ઘરે પાણી મળી રહે છે. તેમજ સરિતાના ઘર નજીક સરકારી હેડપમ્પમાં મોટર ઉતરેલી છે, જેમાંથી પણ પાણી મળી રહે છે. સાથે જ 300થી 700 મીટર દૂર આવેલ કૂવામાં પણ ભરપૂર પાણી છે. કદાચ GEBના પ્રોબ્લેમનાં કારણે સરિતાને કુવાએ પાણી ભરવા જવું પડ્યું હશે. મહારદર પાણી પુરવઠા જૂથમાંથી પાણી મળી રહે તે માટે સરિતાના ઘરે વ્યવસ્થા કરવામાં આવેલ હતી, પણ તેઓ બહાર ગામ જવાનાં કારણે કામ અટકી ગયું હતું. તેઓ પોતાના કમ્પાઉન્ડમાં જગ્યા નક્કી ના કરી શકવાના કારણે પાણીની વ્યવસ્થા બાબતે વિલંબ થયો હતો. જોકે કામ લોક ડાઉનના કારણે થઈ ના શક્યું હતું, પરંતુ કામકાજ હાલમાં ચાલું છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
પાણી સમસ્યા અંગે સરિતા ગાયકવાડ જોડે ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયાં બાદ તાત્કાલિક ધોરણે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે. ગામની મીની પાઇપલાઇન કનેક્શન અંતર્ગત ઘરે પાણી ચાલું થઈ ગયું છે. સાથે જ ઘરની સામે અન્ય એક નળ કનેક્શન ગોઠવી આપવામાં આવેલ છે. તેમજ વધુમાં તેણીએ જણાવ્યું હતું કે 5,000 લીટર પાણીની ક્ષમતા ધરાવનાર પાણી ગોઠવવામાં આવેલ છે. સરિતાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મારા ઘર સહિત ગામના અન્ય લોકોને પણ પાણીની સમસ્યા હલ થઈ છે.
ઉલ્લેખનીય છે કે ડાંગની સાથે દેશનું ગૌરવ સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સમાં એથ્લેટીક્સ રમતમાં ગુજરાતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ત્યારે આ દિકરીને પાણી માટે વલખાં મારવા પડે તે કેટલું વ્યાજબી ગણાય. પાણીની સમસ્યા બાબતે મીડિયામાં અહેવાલો રજૂ થયા બાદ પાણી પુરવઠાનું અધૂરું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવેલ છે. અત્યારે સરિતાના ઘરે નળ કનેક્શન મારફત પાણી મળી રહે છે.