ડાંગઃ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીત તળેટી વિસ્તારનાં ગામડાઓમાં તોફાની વાવાઝોડા સાથે કમોસમી વરસાદનું માવઠું તૂટી પડતા ડાંગી જનજીવનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીત તળેટી વિસ્તારનાં શામગહાન, માલેગામ, ગલકુંડ, સોનુનીયા, માંળુગા, ચીખલી, બારીપાડા, બોરખલ આહવા સહીતનાં ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવવાની સાથે નિલગગન આભમાં કાળા ડીબાંગ વાદળો છવાઇ ગયા હતા.
ગિરિમથક સાપુતારા સહિતનાં ગામડાઓમાં મોડી સાંજે તોફાની વાવાઝોડા અને વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદનું માવઠું તૂટી પડતા આદિવાસી જનજીવનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જ્યારે ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા પંથકમાં પણ સાંજનાં સુમારે ભારે પવનનાં સુસવાટા સાથે વાવાઝોડુ ફૂંકાયુ હતુ. બે ત્રણ દિવસ અગાઉ ડાંગ જિલ્લાનાં સરહદીય ગામડાઓમાં ભારે પવનની સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.
જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે વરસાદની સાથે કરા પડ્યા હતા. બુધવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત પંથકોનાં ગામડાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવી જવાની સાથે વીજળીનાં કડાકા ભડાકામાં કમોસમી વરસાદનું માવઠું તૂટી પડતા દોડધામ મચી ગઇ હતી.
ડાંગ જિલ્લામાં સતત બીજી વખત કમોસમી વરસાદનું માવઠું તૂટી પડતા ડાંગી ખેડૂતોનાં ફળ ફળાદી, શાકભાજી સહિત કઠોળ જેવા પાકોને જંગી નુકસાન થયાની વિગતો સાંપડી રહી છે. ઉપરાંત સાપુતારા ખાતે વરસાદી માહોલમાં વાદળોનાં ઘેરાવાની વચ્ચે ગાઢ ધૂમમ્સીયુ વાતાવરણ છવાઇ જતા સમગ્ર સ્થળોનું વાતાવરણ આહલાદક બની ગયું હતું.