ડાંગ: ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ સર્કલે આહવા જતાં માર્ગ તરફ વઘઇ વન વિભાગ સહાયિત નાહરી કેન્દ્રનું દક્ષિણ ડાંગ ડી.એફ.ઓ. દિનેશભાઇ રબારીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ દ્વારા કેન્દ્રની મુલાકાત લેનાર લોકોને ડાંગ જિલ્લાની આગવી ઓળખ ધરાવતી પૌષ્ટિક ડાંગી થાળી તેમજ નાગલીનું રોટલું, અડદનું ભુજીયું, નાન ખટાઈ જેવી અવનવી વાનગીઓની લિજ્જત માણવા મળશે.
આ સમગ્ર કેન્દ્રનું સંચાલન નાહરી મહિલાઓ દ્વારા થશે જેથી મહિલાઓ પણ પગભર થશે તેમજ ડાંગમાં કૃષિ યુનીવર્સિટી તેમજ પોલીટેકનિકમાં ભણતા અને હોસ્ટેલમાં રહેતા બહારના વિદ્યાર્થીઓની ભોજનની સમસ્યા દૂર થશે.
આ પ્રસંગે ડાંગ માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલે DFO દિનેશભાઇ રબારીનું અભિવાદન કરી પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.
આ ઉપરાંત DFO દિનેશભાઇ રબારી તેમજ વન વિભાગના કર્મચારીઓ અને આમંત્રિત મહેમાનો દ્વારા નાહરી કેન્દ્રના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ સંકેત બંગાળ, વઘઇ સરપંચ મોહન ભોંય, માજી સરપંચ ધર્મેશ પટેલ, રમેશ ભોય, વ્યાપારી અગ્રણી અજયભાઈ સુરતી ,બીપીનભાઈ, રોહિતભાઈ સહિતના આગેવાનો માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહ્યા હતા.