ત્રિદિવસીય કૃષિ મેળામાં જિલ્લા પંચાયત અધિકારી સુનિલભાઈએ ખેડૂતોને i-ખેડૂત પોર્ટલ વિશેની જાણકારી આપી હતી. જેમાં ફોર્મ ભરવા, સબસીડી મેળવવી, ખેતીવાડી શાખાની માહિતી, ઉપરાંત ખેડૂતો જોગ યોજનાઓ વિશેની માહિતી આપી હતી. તો લોટસ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રાવણભાઈએ અને કૃષિ ક્ષેત્રે જોડાયેલા દશરથભાઈએ પોતાની આગવી ભાષામાં ખેડૂતોને જૂની પદ્ધતિ અપનાવવા માટે આગ્રહ કર્યો હતો. નાગલી, અડદ,વરી વગેરે પાકોને પરંપરાગત રીતે ઘરની ઘંટીમાં જ દળવાની સલાહ આપી હતી.
આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા નિરુબહેને જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં મહિલાઓનો ભાગ આગળ પડતો હોય છે. ડાંગ જિલ્લાની મહિલાઓ ખૂબ જ મહેનતું છે અને આપણી મહેનત થકી જ આપણે સમાજમાં આગળ આવવાનું છે. વધુમાં તેમણે ઓર્ગેનિક ખેતી પદ્ધતિ દ્વારા થતાં પાકનું મહત્વ સમજાવ્યું હતું.
ડાંગ જિલ્લા નાયબ ખેતી નિયામક એમ.એમ.પટેલે જણાવ્યું હતું કે, હાલમાં જે વેચાણ પ્રદર્શન રાખવામાં આવ્યું છે તે વધુ સારી રીતે કરી શકાય તે માટે ખેડૂતોના સાથ સહકારની જરૂર છે.